મુંબઇ
ટેલિવિઝનનો પોપ્યુલર સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12મી સીઝન સાથે પરત ફર્યો છે. ગત સીઝનની જેમ આ વખતે પણ નેહા કક્કડ, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની શોના જજ છે. શો 28 નવેમ્બરથી ઓન-એર થવાનો છે અને જ્યારથી તેની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી મેકર્સ નવા પ્રોમો રિલીઝ કરી રહ્યા છે. હાલમાં વધુ એક પ્રોમો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જે ભલભલી વ્યક્તિની આંખો ભીની કરી દે તેવો છે.
પ્રોમોમાં, શાહઝાદ અલી નામનો કન્ટેસ્ટન્ટ પોતાની ગરીબીની વ્યથા કહેતો જોવા મળી રહ્યો છે. આ સિવાય તે તેવો પણ ખુલાસો કરે છે કે, તેની નાનીએ 5 હજાર રૂપિયાની લોન લીધી ત્યારે જઈને તે મુંબઈમાં ઓડિશન આપવા આવી શક્યો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, 'મારું નામ શાહઝાદ અલી છે. જયપુરમાં કપડાની એક નાની દુકાન છે, ત્યાં કામ કરું છું. જ્યારે નાનો હતો ત્યારે જ મારી અમ્મી ગુજરી ગઈ. પછી નાનીએ અમને મોટા કર્યા અને અમારો ઉછેર કર્યો'. વિશાલ દદલાનીએ તેને પૂછ્યું કે, 'જયપુરથી અહીંયા કેવી રીતે આવ્યો?'. શાહઝાદે કહ્યું કે, 'મારી નાનીએ બેંકમાંથી 5 હજાર રૂપિયાની લીધી અને હું અહીંયા આવ્યો'.
નેહા કક્કડે ઈન્ડિયન આઈડલની ગત સીઝનના કેટલાક કન્ટેસ્ટન્ટને આર્થિક મદદ કરી હતી. આ વખતે પણ તેણે આમ કર્યું. તેણે શાહઝાદને કહ્યું કે, 'મારા તરફથી તારી નાનીને 1 લાખ રૂપિયાની ભેટ આપવા માગુ છું'. વિશાલ દદલાનીએ પણ કહ્યું કે, 'જે રીતે નેહાએ તને એક ભેટ આપી છે, તે રીતે હું પણ તારી મુલાકાત એક સારા ગુરુ સાથે કરાવી દઈશ'.
નેહા કક્કડ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે જાણીતી છે. શાહઝાદ અલીને એક લાખ રૂપિયાની મદદ કરીને તેણે ફેન્સના દિલ જીતી લીધા છે. પ્રોમો વીડિયો પર કોમેન્ટ કરીને યૂઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે, 'આ જ વાત છે જે તમને નેહાના પ્રેમમાં પાડે છે. તારા પર ગર્વ છે'. તો એકે લખ્યું છે કે, 'નેહા મેડમ તમે ફરી એકવાર અમારુ દિલ જીતી લીધું'. સિંગરના એક ફેન પેજે લખ્યું છે કે, 'આ જ કારણથી મને નેહા પ્રત્યે પ્રેમ અને માન છે'. એક ફેને તેને 'રિયલ ક્વીન' કહી છે.