અમદાવાદ-

અમદાવાદ જિલ્લાના વહેલાલ ગામેથી પાડોશી સગીરે સાત વર્ષના બાળકનું અપહરણ કરી રૂ. ૩૦ લાખની ખંડણી માગી હતી. અપહૃત બાળકના પિતાએ પોલીસને જાણ કરતાં અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી. કામરિયા, વિવેકાનંદનગર પીઆઈ અને તેમની ટીમ તેમજ એલસીબીની એક ટીમે આખી રાત ઓપરેશન પર પાડી આરોપીને પકડી બાળકને હેમખેમ છોડાવ્યો હતો. સગીરે ઝડપથી પૈસા મેળવવા માટે એક્ટિવા પર બાળકને લઈને ગયો હતો. કણભા પોલીસે સગીર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લાના વહેલાલ ગામમાં ૭ વર્ષનો બાળક પરિવાર સાથે રહે છે, તેના પિતા દુકાન ધરાવે છે. તેની પાડોશમાં જ મૂળ હિમાચલપ્રદેશના નૈનિતાલનો રહેવાસી સગીર તેના માસા સાથે રહેતો હતો.

સગીરને ઝડપથી પૈસા કમાવવા હોઈ અને તેના પાડોશમાં રહેતો પરિવાર આર્થિક રીતે સુખી હોવાનું માની તેણે બાળકનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. સગીરે મંગળવારે સાંજે ૫.૩૦ વાગ્યે પાડોશમાં રહેતા વેપારીના ૭ વર્ષના બાળકને કોઈ બહાને એક્ટિવા પર બેસાડી અપહરણ કરી લીધું હતું. રાતે બાળકના પિતાને પોતાના જ ફોન પરથી ફોન કરી રૂ. ૩૦ લાખની ખંડણીની માગ કરી હતી. ગ્રામ્ય ડી વાય એસ પી કે. ટી. કામરિયાએ જણાવ્યું હતું કે આરોપી પોતાના ફોન પરથી વાત કરતો હતો અને આખી રાત આરોપીને શોધવા ટીમો કામે લગાડી હતી. બાળકને લઈ આરોપી ગેરતપુર-બારેજડી રેલવે-ટ્રેક પર બેઠો હતો.

ટાવર લોકેશનના આધારે આખી રાત શોધખોળ કરી હતી. આરોપી ફોન પર ઓછી વાત કરતો હોવાથી પકડવો મુશ્કેલ હતો છતાં આસપાસની માહિતી મેળવી વહેલી સવારે રેલવે-ટ્રેક પરથી બંનેને શોધી કાઢ્યા હતા. આરોપી મૂળ નૈનિતાલનો રહેવાસી છે અને તેના માસા સાથે રહે છે. પૈસા મેળવવા માટે તેણે આખું કાવતરું ઘડ્યું હતું.