વડોદરા, તા.૧૨

રાજયમાં ખાદ્યપદાર્થો અને શાકભાજી-ફળોના ભાવોમાં થયેલા બેફામ ભાવવધારાથી મધ્યમવર્ગની હાલત કફોડી બની છે તેવા સમયે ભાવવધારામાં સૈાથી મોખરે રહેલા લીંબુનું વેચાણ કરીને અચ્છે દીનની પ્રતિક્ષા કરી રહેલા ખેડુતને પાયમાલ કરી વેર વાળવા માટે તેના ખેતરમાં લીંબુના છોડવા કાપી નાખવાના બનાવે ભારે ચકચાર મચાવી છે. પાદરા તાલુકાના ગવાસદ ગામની સીમમાં મંદિર પાછળ આવેલા પોતાના ખેતરમાંથી ગત રાત્રે અજાણ્યા દુશ્મનોએ વેર વાળવા માટે એક-બે નહી પરંતું લીંબુના ૧૪૮ છોડવા કાપી નાખતા આવા અનઅપેક્ષિત આર્થિક નુકશાનથી ખેડુત ભાંગી પડ્યો છે. વડોદરા જિલ્લામાં ઈતિહાસમાં પહેલીવાર આ રીતે થયેલા મોંધાદાટ લીંબુના છોડવાઓને એક સાથે મોટી સંખ્યામાં કાપી નાખવાના બનાવની વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પણ આ પ્રકારની વેર વાળવાની પધ્ધતીથી ચોંકી ઉઠી છે.

ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો લીંબુ શરબતનું સેવન કરતા હોય છે અને જમવામાં પણ લીંબુના રસનું મહત્તમ સેવન કરવાનો આગ્રહ રાખતા હોય છે. જાેકે છેલ્લા કેટલાક સમયથી શાકભાજી અને ફળોના ભાવોમાં અસહ્ય વધારો થયો છે અને તેમાંય ગરમીના કારણે લીંબુની માંગમાં જબરદસ્ત વધારો થતા લીંબુના ભાવમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. હજુ એકાદ માસ પહેલા માંડ ૧૫-૨૦ રૂપિયે કિલોના ભાવે વેંચાતા લીંબુના ભાવમાં પેટ્રોલની જેમ રોજેરોજ વધારો થઈ રહ્યો છે અને હાલમાં લીંબુના ભાવ એક કિલોના ૨૦૦ રૂપિયાને આંબી ગયા છે. લીંબુના ભાવમાં દસ ગણો વધારો થતાં લીંબુની ખેતી કરતા ખેડુતો માટે કદાચ અચ્છે દિનનું સપનું સાકાર થયું છે.જાેકે લીંબુનું વેચાણ કરીને સારી રકમ મેળવવાના સપના જાેતા પાદરા તાલુકાના ગવાસદ ગામના ખેડુતનું સ્વપ્ન ગત રાતે રોળાઈ ગયું છે. ગવાસદ ગામમાં બાવાવાળી ભાગોળમાં રહેતા ૫૭ વર્ષીય ભયલાલભાઈ ચીમનભાઈ ગવાસદ ગામની સીમમાં આવેલી લીલાગરી માતાના મંદિરની પાછળ પોતાનું ખેતર ધરાવે છે. અઢી વર્ષ પહેલા તેમણે ખેતરમાં લીંબુના છોડ રોપ્યા હતા જેની પર આ વર્ષે લીંબુ લાગવાની શરૂઆત થઈ હતી અને તેની સાથે આ વર્ષે તેમણે ખેતરમાં તુવેરનું વાવેતર કર્યું છે જે પણ કાપણી માટે લગભગ તૈયાર છે. આ વર્ષે લીંબુના ભાવો વધતા અને તુવેર પણ તૈયાર થતાં ભયલાલભાઈ અને તેમના પરિવારજનો આગામી દિવસોમાં લીંબુ વેચાણ માટે તૈયાર થાય એટલે તોડીને વેંચાણ કરી સારી આવક રળવાના સ્વપનો જાેતા હતા. જાેકે ગઈ કાલે સવારે તેમને તેમના નાનાભાઈ ઈશ્વરભાઈ ચીમનભાઈ માળીએ ફોન પર જાણ કરી હતી કે આપણા ખેતરમાંથી લીંબણના છોડ કોઈએ કાપી નાખ્યા છે.

આ ફોનના પગલે ભયલાલભાઈ અને તેમના પત્ની ગંગાબેન ખેતરમાં દોડી જતા તેમને જાણ થઈ હતી કે તેમના અજાણ્યા દુશ્મનોએ વેર વાળવા માટે તેમના ખેતરમાં એક-બે નહી પરંતું ૧૪૮ લીંબુના છોડ કાપી નાખ્યા છે. જાેકે નવાઈની વાત એ હતી કે લીંબુની સાથે ખેતરમાં તુવેરનું પણ વાવેતર થયું છે પરંતું દુશ્મનોએ તુવેરને હાથ સુધ્ધા નથી અડાડ્યો. આ બનાવની ભયલાલભાઈએ વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ પણ વેર વાળવા માટે કિંમતી એવા લીંબુના છોડવા કાપી નાખવાના બનાવથી ચોંકી ઉઠી હતી. હાલમાં પોલીસે અજાણ્યા લોકો સામે લીંબુના છોડ કાપી નાખીને ૭૫૦૦ રૂપિયાનું નુકશાન પહોંચાડવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પરંતું પોતાના ખેતરમાંથી

રાતોરાત લીંબુના મોટી સંખ્યામાં છોડ કાપી નાખવાના બનાવથી ભયલાલભાઈ અને તેમનો પરિવાર ભાંગી પડ્યો છે

ખેડૂતની શંકાના પગલે કથિત છુપા દુશ્મનોની પૂછપરછ

પોતાના ખેતરમાંથી લીંબુના ૧૪૮ છોડ કાપી નાખી આર્થિક રીતે પાયમાલ કરવાના બનાવમાં ખેડુત ભયલાલભાઈએ એક સમાજની કમિટીના સભ્યો સામે શંકા વ્યક્ત કરી હતી જેના પગલે આ બનાવની તપાસ કરતા એએસઆઈ રજનીકાંત બારોટે ખેડુતના શંકાસ્પદ છુપા દશ્મનોની ઉલટતપાસ કરી હતી પરંતું તેઓએ આ બનાવ અંગે જાણકારી નથી તેમ જણાવ્યું હતું.