ટેમ્પોમાં કતલખાને લઈ જવાતાં નવ ઢોરોને જીવદયા કાર્યકરોએ બચાવ્યાં
07, મે 2022 495   |  

વડોદરા, તા.૬

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણ ગામેથી આઈશર ટેમ્પોમાં ગેરકાયદે ૮ ભેંસો અને એક પાડો મળી ૯ જેટલા ઢોરોને મુશ્કેટાટ બાંધી તેમજ કોઈ ઘાસચારો કે ખોરાકની વ્યવસ્થા વગર જતા ટેમ્પોચાલકને જીએસપીસીએના સેક્રેટરી અને તેમની ટીમે કપુરાઈ ચોકડી બ્રિજ પાસેથી ઝડપી પાડી પશુઓ સહિત કુલ રૂા.૧.૬૪ લાખનો મુદ્‌ામાલ કબજે કરી ટેમ્પોચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતો કરશન નારણભાઈ આહિર સુરતના લસકાણા ગામેથી જગાભાઈ બાબુભાઈ ગોજિયા ભેંસો ભરીને તેમના સુરત ખાતે આવેલ તબેલામાં લઈ જતો હતો. જાે કે, આ બનાવની બાતમી જીએસપીસીએના સેક્રેટરી નેહા પટેલને મળી હતી. ઢોરોને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી નેહા પટેલે તેમની ટીમને જાણ કરી હતી. જેથી તેઓ તેમની ટીમને લઈને નેશનલ હાઈવે કપુરાઈ ચોકડી બ્રિજ પાસે ઢોર ભરેલ ઊભેલા ટેમ્પોને રાઉન્ડઅપ કરી તેની તલાશી લીધી હતી જેમાં ટેમ્પોમાં ૮ ભેંસો અને ૧ પાડો મુશ્કેટાટ બાંધેલા જણાઈ આવ્યા હતા. એટલું જ નહીં, આ ઢોરો માટે ખોરાક-ઘાસચારો, પાણી જેવી સુવિધાઓ ન હતી. તદ્‌ઉપરાંત ટેમ્પોચાલક કરશન આહિર પાસે કોઈ પરમિશન પણ ન હતી, જેથી ટેમ્પોચાલકની અટકાયત કરી જીએસપીસીએના વિહા ભરવાડે વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ઢોર સહિત કુલ રૂા.૧.૬૪ લાખનો મુદ્‌ામાલ જપ્ત કરી ઢોરોને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution