અજય વાટેકર/ વડોદરા

શહેરમાં પોલીસ તંત્રના કાયદાઓ માત્ર નાગરિકો માટે જ હોવાની પ્રતિતિ કરાવતો કિસ્સો આજે વધુ એક વાર ટ્રાફિક પોલીસ હાથ ધરેલી ઝુંબેશમાં સપાટી પર આવ્યો હતો. ટ્રાફિક પોલીસે ગઈકાલ સવારથી જ ફેન્સી અને અયોગ્ય નંબરપ્લેટો લગાવીને ફરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની મોટા ઉપાડે ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશમાં અનેક વાહનચાલકોને ટ્રાફિક પોલીસે દંડ ફટકારી તેમજ તેઓના વાહનો જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરી હતી પરંતું તેની સામે આજે શહેરભરમાં ખુદ પોલીસ તંત્રના જ વાહનો યોગ્ય નંબરપ્લેટ વિનાના તેમજ કેટલાક વાહનો તો નંબરપ્લેટ વિના જ ફરતા હોવા છતાં ટ્રાફિક પોલીસે ખાતાના વાહનો સામે કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરતા ટ્રાફિક પોલીસની બેવડી નિતી વધુ એક વાર ઉઘાડી પડી છે.

શહેરના ગોત્રી વિસ્તારમાં ગઈ કાલે સંતાનોને ક્લાસમાંથી લઈને ઘરે જઈ રહેલી મહિલાનો બાઈક પર ડબલસવારીમાં આવેલા ગઠિયાઓએ ૯૦ હજારનો અછોડો તોડ્યો હતો. આ બનાવની પ્રાથમિક તપાસમાં પોલીસને ગઠિયાઓના સીસીટીવી ફુટેજ મળ્યા હતા જેમાં ગઠિયાઓની બાઈકની આગળ નંબરપ્લેટ નહી હોવાની તેમજ પાછળ લગાવેલી નંબરપ્લેટ પર નંબર જાેઈ શકાય તેવી નહી હોવાના મુદ્દે આજે સફાળી જાગેલી ટ્રાફિક પોલીસે સમગ્ર શહેરમાં ટુવ્હીલર વાહનોની તપાસની ઝુંબેશ ઉપાડી હતી. ફેન્સી અને ચિતરામણવાળી નંબરપ્લેટોવાળા વાહનચાલકો તેમજ નંબરપ્લેટ પર ઈરાદાપુર્વક ચુંદડી કે કીચડ લગાડી અને નંબરપ્લેટ પરથી એકાદ બે નંબર ઉખાડી નાખીને વાહન ફેરવતા ટુવ્હીલરચાલકોને શોધી કાઢી તેઓની સામે કાર્યવાહી કરવા માટે ઠેરઠરે ટ્રાફિક પોલીસની ટીમો ખડકાઈ હતી.

ટ્રાફિક પોલીસની ટીમોએ નંબરપ્લેટના કાયદાનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી તેઓની પાસે રોકડ દંડ વસુલ કરતા કેટલાક વાહનચાલકોએ તો ટ્રાફિક પોલીસ જવાનો સાથે ઉગ્ર રકઝક પણ કરી હતી પરંંતું કાયદાનું શસ્ત્ર ઉગામવવાની ચિમકી મળતા વાહનચાલકોએ દંડ ભરી વિવાદથી બચવાનું વધુ મુનાસીબ માન્યુ હતું. ટ્રાફિક પોલીસે શરૂ કરેલી આવી ઝુંબેશ આવકારદાય છે પરંતું તેની સામે શહેરના વિવિધ વિસ્તારોમાં ખુદ પોલીસ તંત્રના વાહનો અને પોલીસ જવાનો નંબરપ્લેટના કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરવા નજરે ચઢ્યા હતા. ‘લોકસત્તા-જનસત્તા’ની તપાસમાં આજે શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ તંત્રના કેટલાક વાહનોમાં વર્ધી પહેરીને પોલીસ જવાનો કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતીનું સંચાલન કરતા હતા પરંતું તેઓના વાહનોની નંબરપ્લેટો ક્યાંક તુટેલી હતી તો ક્યાંક સ્પષ્ટ રીતે વંચાય તેવી નહોંતી, એટલું જ નહી પોલીસના કેટલાક વાહનો પર ત નંબરપ્લેટ જ નહોંતી પરંતું તેમ છતાં આવા વાહનો સામે ટ્રાફિક પોલીસ દંડ કે વાહન ડિટેઈન કરવાની હિંમ્મત દાખવી શક્યું નહોંતું જેના કારણે પોલીસ તંત્રના કાયદાઓ માત્રે નાગરીકો માટે જ છે , પોલીસ તંત્રને કોઈ કાયદા નડતા નથી તેવી વધુ એક વાર વાહનચાલકોને પ્રતિતિ થઈ હતી.

દિવાળીના સમયે ગેરકાયદે દબાણોનો રાફડો ફાટે છે ત્યારે કેમ ઝુંબેશ હાથ ધરાતી નથી?

આગામી દિવસોમાં દિવાળીને તહેવારની ઉજવણી માટે અત્યારથી જ શહેરમાં પડઘમ વાગી રહ્યા છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા બજારોમાં ખરીદી માટે ભીડ ઉમટી રહી છે. દિવાળીના સમયગાળામાં ટ્રાફિક પોલીસ જવાનોની નજરો સામે જ વિવિધ વિસ્તારો તેમાંય મુખ્યતવે ચાર દરવાજા વિસ્તારમાં તો જાહેરમાર્ગ પર લારીઓ-પથારાવાળાઓ ફુટપાથ તો ઠીક જાહેરમાર્ગ પર કબજાે જમાવી દેતા હોય છે જેના કારણે ભયંકર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. દિવાળીના સમયમાં ખરીદી માટે પરિવાર સાથે નીકળતા લાખો નાગરિકોને હેરાનગતિ ના થાય તે માટે ટ્રાફિક પોલીસ ગેરકાયદે દબાણો થતા અટકાવવા માટે કેમ ઝુંબેશ હાથ નથી ધરતી તેવો પ્રશ્ન શહેરીજનોને અકળાવી રહ્યો છે.

એક દિવસમાં ૬૧ હજારનો દંડ વસૂલ ઃ ૪૫ વાહનો ડિટેઈન

ટ્રાફિક પોલીસે ગઈકાલે એક જ દિવસ દરમિયાન ગેરકાયદે નંબરપ્લેટવાળા ટુવ્હીલરચાલકોને ઝડપી પાડી તેઓની સામે કાર્યવાહી કરવા માટે ઉપાડેલી ઝુંબેશમાં એક જ દિવસમાં આશરે ૬૧ હજાર રૂપિયા જેટલો માતબર દંડ વસુલ કર્યો હતો જયારે ૪૫ વાહનોને ડિટેઈન કરી તેઓને આરટીઓનો મેમો આપ્યો હતો.