દિલ્હી-

દેશમાં હવે ડીજીલોકરની સુવિધા ઉપલબ્ધ હોવાને પગલે નાગરીકોએ હવે પોતાના ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ બધે લઈ જવાની જરૂર નથી અને તેનાથી તમામ નાગરીકોને સુવિધા રહેશે એમ વિદેશ રાજ્યમંત્રી મુરલીધરને કહ્યું હતું. તેમણે દેશના તમામ નાગરીકોને માટે સુવિધા ઊભી કરતી ડીજીલોકરની વ્યવસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું. 

તેમણે કહ્યું હતું કે, આમ તો મોટાભાગના તમામ સરકારી કામકાજો માટે આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે, છતાં જો નાગરીકોને પાસપોર્ટને લગતું કોઈ કામ હોય તો, તે પણ હવે આસાનીથી ઓનલાઈન પૂરું કરી શકાય છે અને તે માટે પોતાના મૂળ સર્ટીફિકેટો લઈ જવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, આટલું જ નહીં પણ ખાસ કરીને નાગરીકોને પાસપોર્ટની સુવિધા પૂરી પાડવા માટે દેશમાં અનેક પોસ્ટ ઓફિસોમાં પાસપોર્ટ સુવિધા પૂરી પાડી શકાય એવી વ્યવસ્થા કરાઈ છે. દેશમાં 426 એવી પોસ્ટ ઓફિસો છે, જ્યાં પાસપોર્ટની સુવિધા આપવામાં આવે છે. 

તેમણે કહ્યું કે, 36 પાસપોર્ટ કાર્યાલયો અને હાલના 93 કાર્યાલયો તેમજ 426 પોસ્ટ ઓફિસ એમ કુલ 555 સ્થળો પર નાગરીકો હવે પાસપોર્ટ કઢાવી શકશે. સરકાર હવે ઈ-પાસપોર્ટની દિશામાં પણ કામ કરી રહી છે, જેથી છેતરપિંડીના કેસો ઘટાડી શકાય.