વડોદરા, તા.૧૪

ગોત્રીના દુષ્કર્મકાંડમાં કેન્દ્રસ્થાને રહેલા બૂટલેગર અલ્પુ સિંધીએ પોલીસ સમક્ષ સ્ફોટક કબૂલાત કરી લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રિમાન્ડ પૂરા થયા બાદ જેલમાં ધકેલાયા અલ્પુ સિંધીને છાતીમાં દુઃખાવો ઉપડતાં આજે સયાજી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં એને સારવાર અપાઈ હતી. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ હરિયાણાના ગુડગાંવથી ઝડપી પાડીને અત્રે લવાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે થયેલી કડક પૂછપરછમાં અલ્પુ સિંધીએ પોતે જ હનીટ્રેપ ગોઠવી હોવાની કબૂલાત કરી હોવાનું કહેવાય છે, જેને લઈને પોલીસતંત્ર અવઢવમાં મુકાયું છે.

અલ્પુ સિંધીની કબૂલાતના પગલે પૂછપરછ કરતાં અધિકારી ખુદ ચોંકી ઊઠયા હોવાનું કહેવાય છે. જાે કે, આખા પ્રકરણમાં પીડિતાના રોલ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ મિત્રતાના નાતે પીડિતાએ આપવીતી જણાવી હોય અને લાલચો આપી આરોપી અશોક જૈને અને રાજુ ભટ્ટે શારીરિક શોષણ કર્યું હોવાનું જણાવ્યા બાદ અલ્પુએ મોટા માથાઓને ખંખેરવા માટેનો પ્લાન ઘડી કાઢયો હોવાની શક્યતા છે. જાે કે, પીડિતાનું શારીરિક શોષણ તો થયું જ છે, એવા પુરાવા પણ બહાર આવ્યા છે. જાે કે, અલ્પુ સિંધી પોતે નામચીન બૂટલેગર છે અને કાયદાની છટકબારીઓ વિશે સારી રીતે જાણે છે, ત્યારે આ કબૂલાતનું મહત્ત્વ કેટલું અને એના નિવેદનને પોલીસ દ્વારા રેકોર્ડ ઉપર લેવાયું છે કે નહીં એની જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. જેને લઈને શરૂઆતથી પેચીદા બનેલા આ મામલાનું રહસ્ય વધુ ઘેરું બનતું જાય છે. એવા અનેક સવાલો છે જેના ઠોસ જવાબો પોલીસ શોધી શકી નથી. મુખ્ય આરોપી અશોક જૈનના રિમાન્ડ આવતીકાલે પૂરા થાય છે. અગાઉ અન્ય આરોપી રાજુ ભટ્ટને છ દિવસના રિમાન્ડ પર લેવાયો હતો, એ દરમિયાન પીડિતા સાથે એની સંમતિથી ચાર વાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાની કબૂલાત કરી હતી. પરંતુ પીડિતાની રૂમમાં કેમેરો કોને લગાવ્યો અને એનું મેમરી કાર્ડ ક્યાં છે એ ઉપરાંત ૧૪મીની રાત્રે શું બન્યું, પીડિતાને માર કોણે માર્યો એ વિશે પોલીસ તપાસમાં હજુ સુધી કાંઈ સ્પષ્ટ થઈ શક્યું નથી.

બચાવપક્ષ દ્વારા પણ અગાઉથી જ આ મામલો હનીટ્રેપનો હોવાનું જણાવાતું હતું. અલ્પુ સિંધી દ્વારા બહાર પડાયેલી યાદીમાં નામ અને મોબાઈલ નંબરો ઉપરાંત આધારકાર્ડના નંબરો પણ લખાયા હતા. ત્યાર બાદ મયંક બ્રહ્મભટ્ટ અને કેદાર કાણિયા વચ્ચેની વાતચીતો બહાર આવી હતી. અલ્પુ સિંધીએ કરેલી કબૂલાતને જાે રેકોર્ડ પર લેવાશે તો આ મામલો હનીટ્રેપનો જ હોવાનું સ્પષ્ટ થશે ત્યારે પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે છે એની ઉપર સૌની મીટ છે. આવતીકાલે અશોક જૈનના રિમાન્ડ પૂરા થયા બાદ અદાલત સમક્ષ પોલીસ કઈ વિગતો અને પુરાવા રજૂ કરે છે એની ઉપર હવે મામલો શેનો હતો એ નક્કી થશે.