મોરબીના માળીયા નગરપાલિકાની ૨૪ બેઠકો માટે એક પણ ભાજપ દાવેદાર સામે આવ્યો નથી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026  |   1782

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થતા જ હાલ ગુજરાતમાં ભારે રાજકિય ગરમાયો જામ્યો છે. રાજ્યભરમાં હાલ ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતની વિવિધ પાર્ટીઓ વિવિધ જગ્યાએ પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા તથા જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોનો ભરતી મેળો એટલે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરી ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી છે. આ સમયે ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટા ભાગના શહેરોમાં ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જાેકે આવા સમયે ગુજરાતમાં આ એક જગ્યાએ સ્થિતિ એકદમ ઉલટી સર્જાઈ છે અને ભાજપને અહીં પોતાનો મુરતિયો દીવો લઇને શોધવા નીકળવું પડે તેવું જાણવા મળી રહ્યું છે. વિગતવાર વાત કરીએ તો, આ ચૂંટણીઓમાં મોરબી જિલ્લા માળીયા નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપ દ્વારા યોજવામાં આવેલ સેન્સ પ્રક્રિયામાં એક પણ દાવેદાર દાવેદારી ન કરવા આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતભરમાં ભાજપ તરફથી ચૂંટણી લડવા લોકોની પડા પડી જાેવા મળી રહી છે, પરંતુ મોરબીના માળીયામાં ભાજપને એક પણ ઉમેદવાર મળ્યો નથી. જેથી ભાજપને અહીં એક ઉમેદવાર પણ શોધવો મોટી ચેલેન્જ સમાન સાબિત થઈ રહ્યો છે. આ તરફ અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણી માટે ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો સામે અંદાજે ભાજપમાં ૨૩૬૪ લોકોએ દાવેદારી નોંધાવી છે, તો અમરેલીમાં પણ ૧૬૮૦ કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી સાથે જ ગુજરાતના મોટા ભાગના શહેર તથા જીલ્લાઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્ચા વ્યક્ત કરી છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution