રત્નકલાકારોને બોનસ નહીં આપતી કંપનીને ડાયમંડ વર્કર યુનિયનની નોટિસ
25, ઓક્ટોબર 2021

સુરત-

સુરત શહેરની અમુક હીરા પેઢીઓ દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ આપવામાં આવતું નથી, ત્યારે શનિવારના રોજ લેબર વિભાગ દ્વારા રત્નકલાકારોને દિવાળીનું બોનસ ચૂકવવામાં આવે એ માટે સુરત ડાયમંડ એસોસિએશનને પત્ર લખી રત્નકલાકારો અને કંપનીઓ વચ્ચે બેઠક કરી બોનસના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માટે જાણ કરી છે. ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રમુખ ભાવેશ ટાંક કહ્યું કે, હીરા ફેક્ટરીઓમાં કામ કરતાં કર્મચારીઓને બોનસ એક્ટ હેઠળ બોનસ અપાતું નથી એટલા માટે અમે બે દિવસ પહેલા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જે અંતર્ગત આજે વરાછા અને કતારગામની ત્રણ હીરા પેઢીને લેબર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

હીરા ઉદ્યોગમાં તેજી છે તેમ છતાં અમુક હીરા પેઢી દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ આપવામાં આવતું નથી, જેથી લેબર વિભાગે વરાછા અને કતારગામની ૩ હીરા પેઢીને નોટીસ ફટકારી હતી. શહેરના હીરા ઉદ્યોગના કારખાનાઓ અને કંપનીમાં રત્ન કલાકારોને દિવાળી બોનસ સહિત અન્ય લાભો આપવામાં આવતા નથી. જેને લઈને બે દિવસ પહેલા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવદન પત્ર અપાયું હતું. ૫૦ જેટલી હીરા પેઢી દ્વારા રત્નકલાકારોને દિવાળીના તહેવારે બોનસ તથા ઓવર ટાઈમનો પગાર સહિત અન્ય લાભો આપવામાં આવતા નથી. કલેકટરને રજૂઆત બાદ સુરત લેબર વિભાગે તપાસ હાથ ધરી વરાછા-કતારગામની અહંમ જેમ્સ, ધરતી ડાયમંડ અને મારૂતિ ડાયમંડ કંપનીને નોટિસ ફટકારી હતી. જેમાં બોનસ ચૂકવણી અધિનિયમ ૧૯૬૫ અન્વયે તથા અન્ય શ્રમકાયદા બાબતે નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution