વડોદરા, તા.૨૩

વડોદરા કોર્પોરેશન હસ્તકના કારેલીબાગ રાત્રિ બજારમાં અનેક દુકાનો ખાલી છે. જ્યારે જે દુકાનો ચાલુ છે તેમના દ્વારા દુકાનોની બહાર તેમજ આસપાસ પણ તેમના ટેબલ-ખુરશી અને અન્ય સામાન મુકીને દબાણો કરવામાં આવી રહ્યા હોવાની બૂમો ઊઠવા પામી હતી. આ બાબતે તાજેતરમાં વેપારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હોવાની વિગતો સામે આવી હતી. જ્યારે પોલીસ વિભાગ દ્વારા રાત્રિ બજારની પોલીસ ચોકી છેલ્લાં કેટલાંય સમયથી બંધ હાલતમાં છે. જાે કે, કોરોના મહામારીને કારણે રાત્રિ કરફયૂની સમયમર્યાદા વધારવામાં આવતાં અનેકે રાત્રિ બજારની દુકાનો બંધ કરી દીધી છે. જેથી ખાલી દુકાનો હોવાથી પાલિકાને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જાે કે, રાત્રિ બજારમાં દબાણોને લઈને પાલિકાતંત્ર દ્વારા વેપારીઓને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.