ભૂજ જેલમાં કેદ કુખ્યાત અસલમ બોડિયાની જેલમાંથી ખંડણી માટે રિક્ષાચાલકને ધમકી 
09, સપ્ટેમ્બર 2023

વડોદરા,તા. ૮

ગુજસીટોકના ગુનામાં ભુજ જેલમાં કેદ શહેરના કુખ્યાત અસલમ બોડિયા જેલમાંથી બેઠા બેઠા મોબાઈલ ફોનથી તેના સાગરીતો મારફત હજુ પણ ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. શહેરના એક રિક્ષાચાલકને અસલમે જેલમાંથી ખંડણી માટે ધમકી આપ્યા બાદ સાગરીતો મારફત ૯૦ હજાર પડાવી લેતા આ બનાવની રિક્ષાચાલકે અસલમ તેમજ તેની પત્ની અને બે સાગરીતો સહિત ચાર વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

મુળ સંખેડાના વતની ૪૭ વર્ષીય વિજયભાઈ વાયડે હાલમાં ખોડિયાનગર પાસે પામ વ્યુ એપાર્ટમેન્ટમાં રહે છે અને રિક્ષા ડ્રાઈવીંગ કરે છે. પંદર દિવસ અગાઉ તે રાત્રે સ્ટેશન પાસે રિક્ષામાં હતા તે સમયે તેમને અજાણ્યા નંબરથી ફોન કરનાર વ્યકિતએ જણાવ્યું હતું કે હું અસલમ બોડિયા શેખ ભુજ જેલમાંથી બોલું છે. મને ત્રીસ હજાર રૂપિયા ખર્ચ માટે આપવા પડશે નહી તો તું સ્ટેશન પર ધંધો કરવાના લાયક પણ નહી રહે અને તને તેમજ તારા પરિવારને મારી નાખીશ, હું હમણાં જેલમાં છું પણ જેલમાંથી બેઠા બેઠા તને પતાવી શકુ છું. અસલમે અકોટામાં રહેતા તેના સાગરીત અબ્દુલ વોરા મારફત વિજયભાઈ પાસેથી ૨૦ હજારની ખંડણી ઉઘરાવી તે નાણાં અસલમના પુત્ર અસગરને અપાવ્યા હતા. અઢી વર્ષ અગાઉ અસલમના સાગરીત નીરજ ઉર્ફ લાલો શર્માએ અસલમના કહેવાથી વિજયભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની ઓટિરક્ષા અને બર્ગમેન સ્કુટર તેમજ બંને ગાડીના અસલ કાગળો લઈ લીધા હતા જયારે અસલમના સાગરીત અબ્દુલ વોરા અને અસલમની પત્ની રૂબીનાએ પણ અસલમના ઈશારે વિજયભાઈને ધાકધમકી આપી અસલમના વકીલનો ખર્ચો અને ઘરખર્ટ પેટે ૭૦ હજાર પડાવ્યા હતા. વિજયભાઈ પાસેથી પડાવેલા કુલ ૯૦ હજારમાંથી તેમને માત્ર ૧૫ હજાર પરત આપી અસલમ અને તેના સાગરીતો સતત ધમકી આપતા કંટાળેલા વિજયભાઈએ આ બનાવની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે હાલમાં ભુજ જેલમાં કેદ અસલમ બોડિયો તેમજ તેની પત્ની રૂબિના (તહુરાપાર્ક સોસાયટી, તાંદલજા), અબ્દુલ વોરા પટેલ (અકોટા વુડાના મકાનમાં,રામપુરા) અને નિરજ ઉર્ફ લાલો રાજેશ શર્મા (ગોકુળનગર, ગોત્રી) સામે ફરિયાદ નોંધાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution