અજય વાટેકર, તા.૩૦

કચ્છના ચકચારભર્યા જયંતી ભાનુશાલીની હત્યા કેસમાં સંડોવાયેલા કચ્છના અબડાસાના ભાજપાના પુર્વધારાસભ્ય છબિલ પટેલને તાજેતરમાં દિલ્હી ખાતે કોર્ટ મુદતમાં વડોદરા હેડક્વાટર્સના બે વિવાદાસ્પદ પોલીસ જવાનો અમદાવાદથી દિલ્હી પ્લેનમાં લઈ ગયા હોવાની વાતે પોલીસ બેડામાં ચકચાર જાગી છે. છબિલ પટેલને દિલ્લી કોર્ટમાં રજુ કરવા માટે પીએસઆઈ સહિત પાંચ પોલીસ જવાનોનો જાપ્તો સેન્ટ્રલ જેલથી પોલીસવાનમાં બેસાડ્યા બાદ બે પોલીસ જવાનો પ્લેનમાં જતા બાકીના ત્રણ જવાનો આરોપી વિનાની પોલીસ વાન લઈને દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાંથી ફરી આરોપી વિના અમદાવાદ આવ્યા બાદ આરોપીને પોલીસ વાનમાં લઈને વડોદરા જેલ ખાતે આવ્યાની વાત પોલીસ ઉચ્ચાધિકારીઓ પાસે પહોંચતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે અને આ વિગતોની જાણ થતા તપાસની પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાની વિગતોએ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.

કચ્છના અબડાસાના ભાજપાના પુર્વધારાસભ્ય છબિલ પટેલ સહિતના આરોપીઓએ રાજકિય અદાવતમાં જયંતિ ભાનુશાલીની પુના ખાતે ટ્રેનમાં હત્યા કરવાના બનાવ બાદ પોલીસે છબિલ પટેલની પણ મદદગારીના ગુનામાં ધરપકડ કરી હતી. આ હાઈપ્રોફાઈલ કેસ હાલમાં દિલ્હીની ખાસ અદાલતમાં ચાલતો હોઈ છબિલ પટેલને પોલીસ જાપ્તા સાથે પોલીસવાનમાં કોર્ટ મુદતમાં રજુ કરાય છે અને ત્યાંથી પરત લાવી જેલમાં પરત સોંપવામાં આવે છે. તેમને જેલમાં સુવિધાઓ મળતી હોવાના આક્ષેપો થતાં છબિલ પટેલને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે. દરમિયાન ગત ૧૬મી તારીખે દિલ્હીની કોર્ટમાં છબિલ પટેલની મુદત હોઈ નિયમોનુસાર જેલમાંથી છબિલ પટેલને દિલ્હી કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે રજુ કરવાની જાણ કરાઈ હતી.

આ જાણકારીના પગલે પોલીસ હેડક્વાટર્સના એક પીએસઆઈ તેમજ બે હેડકોન્સ્ટેબલ, એક કોન્સ્ટેબલ અને પોલીસ એમટીએસ વિભાગના કોન્ટ્રાક્ટ ડ્રાયવર સહિતનો જાપ્તો મંજુર કરાયો હતો અને જાપ્તો છબિલ પટેલને લઈને દિલ્હી જવા માટે રવાના થયો હતો. જાેકે અત્રેથી નીકળ્યા બાદ જાપ્તો અમદાવાદ ગયો હતો જયાંથી છબિલ પટેલ તેમજ પોલીસ જાપ્તાના બંને હેડ કોન્સ્ટેબલો ઈન્ડિગો ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના થયા હતા જયારે જાપ્તાના બાકીના બંને જવાનોને દિલ્હી પહોંચવા માટે જાણ કરી હતી. આ રીતે દિલ્હી પહોંચ્યા બાદ છબિલ પટેલના કેસની સુનાવણીમાં એક દિવસ લંબાવાતા જાપ્તો ત્યાં રોકાયો હતો અને ત્યારબાદ ૧૮મી તારીખે છબિલ પટેલ અને બંને પોલીસ જવાનો ફરી પ્લેનમાં અમદાવાદ આવી પહોંચ્યા હતા. જાેકે છબિલ પટેલ ફ્લાઈટમાં પરત આવવા નીકળે તે અગાઉ જ પોલીસવાનમાં હાજર જવાનો એક દિવસ પહેલા જ ત્યાંથી રવાના થયા હતા જેથી તેઓ અમદાવાદ પહોંચ્યા બાદ ફરી છબિલ પટેલને પોલીસવાનમાં લઈને સેન્ટ્રલ જેલમાં પરત લાવીને સોંપાયા હતા.

જાેકે આ સમગ્ર બનાવની હેડક્વાટર્સના પીઆઈ સહિત અન્ય પોલીસ કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું કહેવાય છે અને છબિલ પટેલને આ ફ્લાઈટની સુવિધા આપવા માટે ખેલ કરાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ અંગે શહેર પોલીસ ઉચ્ચાધિકારીઓને જાણ કરવામાં તેઓ સમગ્ર વિગતો સાંભળીને ચોંકી ઉઠ્યા હતા. મળતી વિગતો મુજબ આ બનાવની પોલીસ ઉચ્ચાધિકારીઓ દ્વારા તપાસનો પણ આદેશ કરાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જાેકે આવા સંવેદનશીલ બનાવની તપાસમાં કોઈ ખામી ના રહે તે માટે કદાચ પોલીસ અધિકારીઓ આ બનાવની જાણ નથી તેમ જણાવતા હોવાનું પણ મનાઈ રહ્યું છે.

જાેઈન્ટ સીપી અને ડીસીપીને હજુ સુધી જાણ નથી

છબિલ પટેલનો અમદાવાદથી પ્લેનમાં જાપ્તો લઈ જવાની સમગ્ર પોલીસ બેડામાં જાેરશોરથી ચર્ચા છે પરંતું શહેર પોલીસ તંત્રના ઉચ્ચાધિકારીઓના કાને હજુ સુધી આ વાત પહોંચી નથી. આ બનાવ અંગે જાેઈન્ટ પોલીસ કમિ. ચિરાગ કોરડિયા તેમજ ડીસીપી (વહીવટ) મુનિયાએ તેઓના આ બાબતની હજુ સુધી કોઈ જાણકારી નથી તેમ કહી આવી કોઈ ઘટના બની હોવાનું સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. જાેકે પોલીસ બેડામાં એવી પણ ચર્ચા છે કે આ કેસની કદાચ ગુપ્તરાહે તપાસ ચાલતી હોઈ અને તેમાં પુર્વધારાસભ્યને સંબંધિત આક્ષેપો હોઈ કેસની સંવેદનશીલતાના કારણે પોલીસ અધિકારીઓ પણ આ મુદ્દે હાલમાં કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા હશે.

પોલીસવાનમાં દારૂની પેટીની - ભાગબટાઈમાં ડખો થયો ને વાત વહેતી થઈ

છબિલ પટેલ તેમના પરિવાર સાથે દિલ્હી ખાતે ગયા હતા એવી પણ ચર્ચા છે. જાેકે એનાથી ગંભીર વાત તો એ છે કે છબિલ પટેલ સાથે ફલાઈટમાં ગયેલા વીરમ નાથા અને કિરણ માવસિંહે દિલ્હીથી ફ્લાઈટમાં પરત ફરતી વખતે પોલીસ વાનમાં હાજર પીએસઆઈ અને કોન્સ્ટેબલને દિલ્હીથી દારૂથી ૧૫-૨૦ પેટી નાખી દેજાે વડોદરામાં તેનો મેળ પાડી દઈશું તેમ પણ જણાવ્યું હતું. જાેકે રસ્તામાં કોઈ સમસ્યા આવે તો દારૂની ખેંપના ગુનામાં સંડોવી જવાની બીકે પીએસઆઈ અને કોન્સ્ટેબલે દારૂની પેટીઓ લીધી નહોંતી. જાેકે અત્રે આવ્યા બાદ દારૂની પેટીઓ નહી લાવવાની વાતે ડખો થયો હતો તેમાં વળી આ બનાવમાં ચાર લાખનો વહીવટ થવા છતાં પોતાના ભાગે માંડ ૧૫-૨૦ હજાર આવતા ભાગબટાઈની વાતે ફરી ડખો થતા જ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હોવાનું કહેવાય છે.

સજાના ભાગરૂપે ભાવનગરથી આવેલા અને પૂર્વ વહીવટદારની ભૂમિકાની ૫ોલીસબેડામાં ચર્ચા

છબિલ પટેલનો ફ્લાઈટમાં જાપ્તો લઈ જવાના કથિત બનાવમાં પોલીસ બેડામાં આ જાપ્તો લઈ જનાર પીએસઆઈ એ.સી.રાઠવા, બે હેડકોન્સ્ટેબલો કિરણ માવસીંહ, અજીત સામંતસિંહ, પોકો વીરમ નાથા તેમજ એમટીનો ડ્રાઈવર પઠાણ જે ગોધરાનો છે તેની પર આક્ષેપો થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે પોલીસ જવાનો પર હાલમાં આક્ષેપો થઈ રહ્યા છે તે પૈકીનો વીરમ નાથાની ભાવનગર પોલીસની વિભાગીય કાર્યવાહીના ભાગરૂપે વડોદરા હેડ ક્વાટર્સ ખાતે બદલી કરાઈ છે અને કિરણ માવસિંહ અગાઉ મકરપુરા પોલીસ મથકના વહીવટદાર તરીકે વિવાદમાં આવતા તેને પણ પોલીસ હેડક્વાટર્સ ખાતે બદલી કરાઈ છે. આ સમગ્ર પ્રકરણમાં આ બંને જણાએ ખેલ પાડ્યો હોવાનું કહેવાય છે.

ફ્લાઈટની સુવિધા માટે ચાર લાખનો વહીવટ કરાયો

પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ છબિલ પટેલને પરિવાર સાથે ફ્લાઈટમાં દિલ્હી લઈ જઈ ફ્લાઈટમાં પરત ફરવાની સુવિધા આપવા માટે હેડ ક્વાટર્સના જ એક વિવાદાસ્પદ પોલીસ કર્મચારીએ ખેલ પાડ્યો છે. એટલુ જ નહી પોલીસ બેડામાં એવી પણ ચર્ચા છે કે આ વીઆઈપી સુવિધા આપવા બદલ ચાર લાખનો વહીવટ થયો છે જેમાં હેડક્વાટર્સના એક પોલીસ અધિકારી અને પીઆઈને પણ લાભ થયો છે.

હેડક્વાર્ટર્સના એક અધિકારીએ રજા મુકીને ટિકિટ બુક કરાવી

આ સમગ્ર પ્રકરણમાં હાલમાં પોતાની કોઈ જ સંડોવણી નથી તેવો દાવો કરી રહેલા એક પોલીસ અધિકારી પણ શંકાની સોંય તકાઈ રહી છે. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ હેડ ક્વાટર્સના આ એક અધિકારી જ એક દિવસની રજા મુકીને જાતે છબિલ પટેલ અને બંને પોલીસ જવાનોની ટિકીટ બુક કરાવી હતી. એટલું જ નહી પોલીસ બેડામાં તો એવી પણ ચર્ચા છે કે આ બનાવની હેડ ક્વાટર્સના જ એક પોલીસ અધિકારીએ તાજેતરમાં અન્ય પોલીસ ઉચ્ચાધિકારીઓને આ પ્રકરણ અંગે જાણ કરી હતી અને જાે આ કેસમાં કાચુ કપાશે તો તે શહેર પોલીસ કમિ.ને મળીને સમગ્ર બનાવની જાણ કરશે.

છબીલ પટેલની હત્યા, બળાત્કાર અને કાવતરાના ગુનાની મુદત હતી

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કાચાકામના કેદી તરીકે સજા ભોગવા ભાજપાના પુર્વધારાસભ્ય છબીલ નારણભાઈ પટેલ સામે હત્યા, કાવત્રુ, બળાત્કાર અને ધમકી સહિતનો ગુનો નોંધાયો હોઈ તે કેસ હાલમાં દિલ્હીની સીબીઆઈની સ્પેશ્યલ ૨૪ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસની ૧૬મી તારીખે મુદત હોઈ અને તે એકમાત્ર આરોપી અત્રે હોઈ તેમના એકલા માટે પોલીસ કન્ટ્રોલરૂમમાંથી ૧૪મી તારીખે જાપ્તાની જાણ કરાતા જેલમાંથી ઉક્ત પોલીસ જવાનો છબિલ પટેલનો કોર્ટ મુદતમાં રજુ કરવા માટે જેલમાંથી લઈ ગયા હતા.