નવી દિલ્હી

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન બ્રિટનમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાને લઈને બ્રિટને ભારતના પ્રવાસી કે નાગરિકો માટે બ્રિટનમાં નો એન્ટ્રી જાહેર કરી છે. પ્રવાસીઓના પ્રવેશ પર બ્રેક લગાવવામાં આવી છે. બ્રિટને ભારતને રેડલિસ્ટમાં મુકી દીધું છે. એટલું જ નહીં બ્રિટિશ ન હોય એવા અને આઈરિશ નાગરિકો પણ ભારતમાંથી બ્રિટનમાં પ્રવેશ નહીં મેળવી શકશે. આ ઉપરાંત વિદેશમાંથી બ્રિટન પરત ફરતા બ્રિટિશર્સ માટે 10 દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવાનું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.

બ્રિટનના આરોગ્ય મંત્રી મૈટ હેનકોકે આ વાતનું સમર્થન કર્યું છે. આ વિષય પર ખાતરી કરતા તેમણે જણાવ્યું હતું કે, બ્રિટનમાં ભારતમાં કોરોનાના સ્ટ્રેઈનના 103 કેસ સામે આવ્યા છે. જેમાં મોટાભાગના કેસ વિદેશથી બ્રિટન પરત ફરેલા લોકોના છે. કોરોના વાયરસના આ ફોર્મેટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જેથી ખ્યાલ આવે કે, નવા સ્ટ્રેઈનના પરિણામ ચિંતાજનક છે કે નહીં? મોટી સંખ્યામાં તે ફેલાઈ, સારવાર તથા રસી માટે મુશ્કેલી ન પડે એ માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બ્રિટનના આરોગ્ય મંત્રીએ સાંસદોને કહ્યું કે, આકડાંનુ વિશ્લેષણ કર્યા બાદ યુદ્ધના ધોરણે અમે ભારતને રેડલિસ્ટમાં મુકી દીધું છે. આ નિર્ણય મુશ્કેલ હતો પણ જરૂરી હતો. એનો અર્થ એ થયો કે, જો કોઈ બ્રિટિશ નાગરિક અથવા આઈરિશ છેલ્લા થોડાં વખતથી ભારતમાં રહે છે અને તે બ્રિટન આવે તો એને પ્રવેશ આપવામાં નહીં આવે. નવા નિયમો સામે કોઈ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે. શુક્રવારથી આ નિયમ લાગુ કરી દેવાયો છે. આ પહેલા બ્રિટન PMOએ ડાઉનિંગ સ્ટ્રીટમાંથી કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને આવતા અઠવાડિયે થનારી વડાપ્રધાન બોરિસ જોનસનની યાત્રા રદ્દ કરવાની જાહેરાત કરી હતી.

જોનસનને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ભારતને રેડલિસ્ટમાં મુકવું જોઈએ? ત્યારે તેમણે કહ્યું કે, આ મુદ્દે બ્રિટનની આરોગ્ય સંસ્થાઓ નિર્ણય કરશે. ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં કુલ 2 લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 15 દિવસમાં નવા કેસનો આંક 25 લાખને પાર થઈ ગયો છે. દેશમાં અનેક રાજ્યએ પોતાના મહાનગરમાં લોકડાઉન તેમજ કર્ફ્યૂનું એલાન કર્યું છે. બીજી તરફ ભારતમાં વેક્સીનેશન પણ વધારી દેવામાં આવ્યું છે.