દિલ્હી-

દેશમાં કોરોનાના દરરોજ નોંધાતા કેસોમાં ફરીવાર ઉછાળો આવ્યો છે. શુક્રવારે નોંધાયેલા કેસો છેલ્લા 27 દિવસમાં સૌથી વધારે નોંધાયેલા કેસો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં નોંધાતા કેસોને પગલે તેમજ પંજાબ અને મધ્યપ્રદેશમાં પણ મોટી સંખ્યામાં કેસો બહાર આવતાં હવે આંકડો એકાએક વધી ગયો છે. 

28મી જાન્યુઆરીએ નોંધાયેલા 18,000થી વધારે કેસો પૈકી છત્તીસગઢના અગાઉના કેસો પણ હતા. મહારાષ્ટ્રમાં 6112 કેસો નોંધાયેલા છે જે છેલ્લા 84 દિવસોમાં સૌથી વધારે કેસો છે. મુંબઈમાં છેલ્લા 78 દિવસોમાં સૌથી વધારે 823 કેસો નોંધાયા હતા જ્યારે પૂણેમાં પણ 1005, અમરાવતીમાં 755 અને નાગપુરમાં 752 જેટલા કેસો નોંધાયા હતા. રાજ્યમાં ગુરુવારે 5427 જ્યારે બુધવારે 4787 જેટલા કેસો નોંધાયા હતા. 

દેશમાં આ રાજ્યો ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ સ્થિતી ચિંતાજનક હોય તો તે મધ્યપ્રદેશ અને પંજાબ છે. પંજાબમાં ગત તારીખ 23મી ડિસેમ્બર પછી સૌથી વધારે 385 નવા કેસો નોંધાયા હતા, જ્યારે મધ્યપ્રદેશમાં 297 કેસો નોંધાયા હતા જે છેલ્લા 28 દિવસોનો સૌથી મોટો આંકડો છે.