દિલ્હી-

દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસો 80,000થી વધુ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 86,432 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1089 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 40,23,179 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 69,561 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 31,07,223 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,46,395 પહોંચી છે. રિકવરી રેટ વધીને 77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)ફરી કોરોના વેક્સીનને લઇને કહ્યું છે કે કોરોના વેક્સિન આગામી વર્ષના મધ્ય સુધી બનશે નહીં. WHOના પ્રવક્તા માર્ગરેટ હેરિસે કહ્યું કે અત્યાર સુધીનાં પરીક્ષણોમાં જેટલી પણ દવા કંપનીઓ વેક્સિન બનાવી રહી છે તેમાંથી કોઈ પણ અત્યાર સુધી ઓછામાં ઓછા 50 ટકાના સ્તર પર ખરી ઊતરી નથી.