વરાછા બેંકની ચૂંટણીમાં માત્ર ૧૮ ટકા મતદાન, મંગળવારે મતગણતરી યોજાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026  |   સુરત   |   2079

૧૯૯૫માં સ્થપાયેલી અને હાલમાં ગુજરાતની ટોપ-૫ સહકારી બેંકોમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકમાં ડિરેક્ટરોની ખાલી પડેલી ૧૨ બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. સવારે ૮થી સાંજે ૪ વાગ્યા સુધી થયેલા મતદાનમાં કુલ ૯૯૭૮ શેર હોલ્ડરોએ (અંદાજે ૧૮ ટકા) મતદાન કર્યું હતું. હવે મતગણતરી આગામી મંગળવારે સવારે ૮ કલાકે વરાછાના ધારુકાવાલા કોલેજ કેમ્પસમાં યોજાશે.

વરાછા કો.ઓ. બેંકની સ્થાપનાને ૩૧ વર્ષમાં પહેલી વખત આ વખતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૧૨ બેઠકો માટે ચૂંટણી યોજાઇ રહી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કુલ ૧૫ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાંથી ૨ સીટ મહિલાઓની અને ૧ સીટ એસ.સી., એસ.ટી. વર્ગ માટે રિઝર્વ છે જેના પર એક-એક ઉમેદવારોએ જ ઉમેદવારી કરી હતી આથી આ બેઠકો બીનહરીફ વિજેતા ઘોષિત કરી દેવામાં આવી છે. બાકીની ૧૨ બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. ૧૨ બેઠકો માટે કુલ ૧૮ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. સત્તાધારી જૂથની સહકાર પેનલ કે જેમાં પૂરેપૂરા ૧૨ ઉમેદવારો છે જ્યારે બાકીના છ ઉમેદવારોમાં ૨ ઉમેદવારોએ આજે મતદાન યોજાય એ પહેલા જ સત્તાધારી પેનલના સમર્થનમાંથી ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. જોકે સહકારી મલ્ટીસ્ટેટ બેંકની ચૂંટણીના ધારાધોરણો અનુસાર ખસી ગયેલા ઉમેદવારોના નામો પણ આજે બેલેટ પેપરમાં સામેલ કરવામાં આવ્યા હતા.

વરાછાના ધારૂકાવાળા કોલેજ કેમ્પસમાં આજે સવારે ૮ના ટકોરે મતદાન શરૂ થયું હતું. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ઉદ્યોગપતિઓથી શરૂ કરીને બિલ્ડરો, સામાજિક, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં મતદાન મથકે ઉમટી પડ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરતા પણ વધુ રોમાંચ હોય તેવા દ્રશ્યો આજે વરાછા બેંકની ચૂંટણીમાં યોજાયા હતા.

કુલ ૬૩ હજાર જેટલા શેરહોલ્ડરો મતદાન કરી શકવા સમર્થ હતા. પરંતુ, સાંજે ૪નાં ટકોરે જ્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવી ત્યારે ૯૯૭૮ મત પડ્યાં હોવાનું નોંધાયું હતું. આજે મતદાન બાદ સત્તાધારી જૂથની સહકાર પેનલના

ઉમેદવારો ઉત્સાહમાં દેખાયા હતા કેમ કે મતદાનનો ઝોક સહકાર પેનલ તરફે હતો અને એવો

અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે તમામ ૧૨ બેઠકો પર સત્તાધારી જૂથના ઉમેદવારો આસાનીથી જીત મેળવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution