અમદાવાદ-

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ રાજકોટમાં આજે ચૂંટણી સભાઓ ગજવશે રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાવાનું છે. નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વે પ્રચાર પડઘમ બંધ કરી દેવાના હોય છે. આવામાં મહાપાલિકાની ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો માટે હવે માત્ર ૭૨ કલાક જ હાથમાં રહ્યાં છે. મતદારોને રીઝવવા માટે હવે સ્ટાર પ્રચારકો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આજે રાજકોટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલની ૮ જેટલી ચૂંટણી સભાઓ યોજાશે. સ્મૃતિ ઈરાની લોકસંપર્ક કરશે અને મહિલા સંમેલનમાં પણ હાજરી આપશે. મહા પાલિકાની ચૂંટણીના પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અંતિમ દિવસોમાં મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. 

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીંનાં ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં લાગ્યા છે. ત્યારે આજે બુધવારના રોજ રાજકોટમાં ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની તેમજ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ શહેરના અલગ-અલગ વિસ્તારમાં લોકસંપર્ક તેમજ જનસભાઓને ગજવશે. ભાજપ અને કોંગ્રેસના બંનેના સ્ટાર પ્રચારકો રાજકોટમાં સભા કરવાના હોવાથી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે વિસ્તારનાં લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.