ગાંધીનગર-

વિધાનસભા ગૃહમાં કાર્યવાહી દરમ્યાન વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. ખેડૂતોને મગફળીના પુરતા ભાવ મળતા નથી, ગુજરાતની જનતા લુંટાઇ રહી છે ને તેલિયારાજા નફાખોરી કરી રહ્યા છે સિંગતેલના ભડકે બળતા ભાવ મુદ્દે વિધાનસભા ગૃહમાં હંગામો મચ્યો હતો. વિપક્ષે એવો સવાલ ઉઠાવ્યો હતોકે,મગફળીનું વિપુલ ઉત્પાદન થયુ છે.મગફળીની નિકાસ થઇ રહી છે તો પછી સિંગતેલના ભાવ ઘટવાને બદલે કેમ વધી રહ્યાં છે. વિપક્ષના ધારાસભ્યએ ખુલ્લો આક્ષેપ કર્યો હતોકે, ખેડૂતોને મગફળીના પુરતા ભાવો મળતા નથી. લોકોને તેલના બમણાં ભાવ ચૂકવવા પડે છે અને સરકારની મહેરબાનીથી તેલિયારાજા ધૂમ નફાખોરી રહ્યા છે. વિપક્ષના ધારાસભ્યોએ સસ્તા દારૂ,મહંગા તેલના સૂત્રોચ્ચાર કરી ગૃહને ગજવી મુક્યુ હતું.

પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ સવાલ ઉઠાવ્યો હતોકે, સિંગતેલના ભાવો ભડકે બળી રહ્યાં છે ત્યારે સરકાર શું પગલાં લેવા માંગે છે.તેમણે એવો ય ટોણો માર્યો કે, આ પ્રશ્ન ગૃહમાં બેઠેલા બધાય ધારાસભ્યોને સ્પર્શ તેવો છે. આ પ્રશ્ન મુદ્દે વિપક્ષે સરકારને બરોબરની ઘેરી હતી . ધારાસભ્ય શૈલેષ પરમારે તો એવો આરોમ મૂક્યો હતોકે, વર્ષ ૨૦૧૯માં જાન્યુથી ડિસેમ્બર સુધી સિંગતેલના ડબ્બા પર રૂા.૯૭ ભાવ વધારો થયો હતો. વર્ષ ૨૦૨૦માં જાન્યુ.થી ડિસેમ્બર સુધી રૂા.૬૫૦નો વધારો થયો હતો. ટૂંકમાં આજે તેલના ડબ્બાનો ભાવ રૂા.૨૫૦૦ સુધી પહોંચ્યો છે. એક તરફ સરકાર એવી બડાઇ હાંકે છેે,આ વર્ષે ગુજરાતમાં વિપુલ મગફળીનુ ઉત્પાદન થયુ છે. વિદેશમાં મગફળી નિકાસ કરવામાં આવી રહી છે પણ પ્રશ્ન એછેકે, જાે મગફળીનુ ધુમ ઉત્પાદન થયુ હોય તો,તેલ સસ્તુ હોવું જાેઇએ તેના બદલે તેલના ભાવ આસમાને પહોંચ્યાં છે.