મુંબઇ 

જ્વેલરી બ્રાન્ડ તનિષ્કની જાહેરાત બાદ હવે અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂક્યો છે. શુક્રવાર, 16 ઓક્ટોબરના રોજ અક્ષય વિરુદ્ધ ટ્વિટર પર #ShameOnAkshayKumar ટ્રેન્ડ થયું હતું. રાઘવ લોરેન્સના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષયે આસિફનું પાત્ર ભજવ્યું છે. તે હિંદુ યુવતી પ્રિયા (કિઆરા અડવાણી) સાથે લગ્ન કરવા માગે છે. 

સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ પ્રશાંત પટેલ ઉમરાવે ટ્વીટમાં કહ્યું હતું, 'શબીના ખાન 'લક્ષ્મી બોમ્બ'ની પ્રોડ્યૂસર છે. શબીના ખાન કાશ્મીરી અલગતાવાદી છે. આસિફમાં ટ્રાન્સજેન્ડર લક્ષ્મીનું ભૂત આવે છે. તે લાલ સાડી પહેરે છે અને ત્રિશૂળ રાખે છે. ઓફિશિયલ ટીઝરના બેકડ્રોપમાં માતા લક્ષ્મીને બતાવવામાં આવે છે. જ્યારે આસિફમાં ભૂત નથી હોતું ત્યારે પ્રિયા તેની પ્રેમિકા છે, શરમ કર અક્ષય કુમાર.'

અન્ય એક ટ્વિટર યુઝરે કહ્યું હતું, 'મને વિશ્વાસ નથી થતો કે અક્ષય કુમાર પણ બોલિવૂડના જોકરમાં સામેલ છે. હું વિચારતો હતો કે તે બીજા કરતાં અલગ છે. હવે તે લવ જેહાદને પ્રોત્સાહન આપે છે. મહેરબાની કરીને #BoycottLaxmiBomb, #ShaneOnAkshayKumar ને રી-ટ્વીટ કરો.

એક યુઝરની કમેન્ટ, 'લક્ષ્મી બોમ્બ'નો બહિષ્કાર કેમ નહીં? ફિલ્મનું નામ 'લક્ષ્મી બોમ્બ' (દેવી લક્ષ્મીનું અપમાન તથા માનહાનિ), એક્ટરનું નામઃ આસિફ, એક્ટ્રેસઃ પ્રિયા (ચૂપચાપ લવજેહાદનું પ્રમોશન) અર્નબ વિરુદ્ધ કેસ, કેનેડિયન (અક્ષય કુમારની પાસે કેનેડાની નાગરિકતા છે) કુમારની પત્ની રિયા ચક્રવર્તીનો સપોર્ટ કરે છે' 

એક યુઝરની ટ્વીટઃ 'અક્ષય અમે તારી સાથે છીએ, પરંતુ અમારા માટે દેશ તથા ધર્મ પહેલો છે. નેતા તથા અભિનેતા તેના પછી. અમને શરમ છે કે તમે આર. ભારતની વિરુદ્ધ કોર્ટમાં ગયા અને લવ જેહાદને પ્રોત્સાહન આપતી ફિલ્મમાં એક્ટિંગ કરી રહ્યા છો.'

ફિલ્મનું ટ્રેલર નવ ઓક્ટોબરે રિલીઝ થયું હતું. આ ફિલ્મ તમિળ ફિલ્મ 'કાંચના'ની હિંદી રીમેક છે. આ ફિલ્મ પહેલા 22 મેના રોજ રિલીઝ થવાની હતી. જોકે, લૉકડાઉનને કારણે થિયેટર બંધ કરી દેવામાં આવ્યા હતા. આ જ કારણથી હવે આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. માનવામાં આવે છે કે સિંગલ સ્ક્રીનમાં આ ફિલ્મ રિલીઝ થશે. જોકે, આ અંગે હજી સુધી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.