28, ઓગ્સ્ટ 2025
2970 |
સુરત, માત્ર એવોર્ડ પાછળ દોટ મૂકનાર મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે શહેરીજનોની સુખાકારીનાં રોડ, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટનાં કામોમાં દાટ વાળ્યો છે એટલું જ નહીં ભ્રષ્ટાચારને પોષવાનું કામ કર્યું હોવાથી લોકોમાં નારાજગી વ્યાપી ગઇ છે. તૂટેલાં રસ્તાઓ તેમજ ગેરકાયદે બાંધકામો સહિતનાં મુદ્દે વિપક્ષ આવતીકાલની સામાન્ય સભામાં મ્યુનિસિપલ કમિશનર અને ભાજપ શાસકો ઉપર પસ્તાળ પાડે તેવી સંભાવના છે. શહેરભરમાં સાવ હલકી ગુણવત્તાનાં રસ્તા બનાવનાર રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત નહીં કરીને તેમજ બીયુસી વિનાનાં કાસારિવેરા એપાર્ટમેન્ટનાં બિલ્ડરને ત્રણ વર્ષથી નોટિસ નોટિસનો ખેલ ખેલાય છે પરંતુ વસવાટ ખાલી કરવાનાં પગલાં નહીં ભરીને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ભ્રષ્ટાચારને પરોક્ષપણે પ્રોત્સાહન આપ્યું હોવાનાં આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. શહેરમાં દર વર્ષે કરોડો રૂપિયાનાં રસ્તાઓ બનાવવામાં આવે છે તદ્દઉપરાંત કાર્પેટ-રીકાર્પેટ કરવામાં આવે છે. રિંગ બનાવનાર રોડ કોન્ટ્રાક્ટરો નિયત એસઓઆર કરતાં ૨૭ ટકા ડિસ્કાઉન્ટેડ રેટથી ટેન્ડર ભરે છે અને શાસકો દ્વારા તે મંજૂર પણ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ ખેલ ચાલી રહ્યો છે. મોંધવારીનાં સમયમાં ડામર ઉપરાંત અન્ય રોડ મટીરિયલ્સનાં ભાવો વધી ગયા છે પરંતુ કોન્ટ્રાક્ટરો હજુ પણ ૨૭ ટકા ડિસ્કાઉન્ટેડ રેટથી ટેન્ડર ભરી રહ્યાં છે. દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ તૂટવાનાં, ખાડાં પડવાનાં બનાવો બને છે અને શહેરીજનોએ સહન કરવું પડે છે. હલકી ગુણવત્તાનાં રસ્તાઓ બનતાં હોવાથી ડિફેક્ટ લાયેબિલિટી પીરિયડનાં રસ્તાઓ પણ તૂટી જાય છે. સતત બે-ત્રણ વર્ષ ડીએલપીનાં રસ્તાઓ તૂટી ગયાં હોય તેવા કોન્ટ્રાક્ટરોને પણ ઉની આંચ નથી આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આવા રસ્તાઓ બાબતે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે માત્ર દંડ ફટકારી સંતોષ માની લીધો, એક પણ રોડ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત તૈયાર કરવાની કે મનપાનાં અધિકારી સામે પગલાં લેવાની હિંમત દાખવી નથી. ભ્રષ્ટાચારને પોષવાનું આનાથી ઉત્તમ ઉદાહરણ બીજુ કોઇ હોઇ જ ના શકે. વહિવટી ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ અડાજણ-પાલ વિસ્તારનું કાસા રિવેરા એપાર્ટમેન્ટ છે. એરપોર્ટ ઓથોરિટીએ આજ દિન સુધી આ એપાર્ટમેન્ટને એન.ઓ.સી. નથી આપ્યું જેને કારણે મહાનગર પાલિકાએ પણ કાસા રિવેરાને વસવાટ પરવાનગી નથી આપી. બીયુસી વિના એક પણ રહિશને વસવાટ માટે મંજૂરી આપી શકાય નહીં તેમ છતાં બિલ્ડર દિપેશ નવિનચંદ્ર શાહે સંખ્યાબંધ લોકોને વસવાટ ચાલુ કરાવી દીધો છે. સપ્ટેમ્બર-૨૦૨૨માં વસવાટ ખાલી કરાવવા માટે મનપાનાં અધિકારીઓએ પહેલી નોટિસ આપી હતી ત્યારપછી આજ દિન સુધી ૬ નોટિસો આપવામાં આવી છે પરંતુ બિલ્ડર દિપેશ શાહ નોટિસને કચરાપેટીમાં ફેંકી દેતાં હોય તેમ મનપાની નોટિસને ગણકારતાં જ નથી. જુન મહિનામાં પાણી-ડ્રેનેજ લાઇન કાપી નાંખવાની ચીમકી આપતી નોટિસ આપવામાં આવી હતી પરંતુ બે મહિના પછી પણ કાર્યવાહી કરવાની હિંમત દાખવી નથી. નોટિસ-નોટિસનાં ખેલથી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સારી પેઠે વાકેફ છે પરંતુ તેમણે પણ વસવાટ ખાલી કરાવવા અસરકારક પગલાં લીધાં નથી. આખું મનપા તંત્ર બિલ્ડર દિપેશ શાહ સામે નતમસ્તક બની ગયું હોય તેવું ચિત્ર ઉભું થયું છે.
શહેરનાં છેવાડાનાં વિસ્તારો સણિયાહેમાદ તેમજ પુણામાં ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઅલમાં મોટાપાયે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બની ગઇ છે. રહેણાંક વિસ્તારોમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝ આવી જતાં રહિશોમાં અસલામતીની ભાવના પેદા થઇ છે. વારંવાર ફરિયાદો કરવા છતાં મનપાનાં વરાછા ઝોનનાં અધિકારીઓએ નોટિસો ફટકારીને અથવા માર્જિનનું થોડું બાંધકામ તોડવાનો દેખાવ કરીને પછી કામગીરી બંધ કરી દીધી છે. ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઅલમાં તો મનપાનાં અધિકારીઓએ માર્જિનમાં બાંધકામો થવા દેવા માટે રૂપિયા લીધાં હોવાનો આક્ષેપ ખુદ ધારાસભ્યે કર્યો હતો. રાંદેરઝોન હોય કે સેન્ટ્રલ ઝોનમાં પણ ગેરકાયદે બાંધકામો અંગે નોટિસો ફટકારવાનાં ખેલમાં મનપાનાં અધિકારીઓ માહિર બની ગયાં છે. ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઅલમાં ખુદ મેયરે પણ ગેરકાયદે બાંધકામો તોડવા માટે આદેશ આપ્યો હતો પરંતુ આજ દિન સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. સણિયાહેમાદમાં ૩૨ સોસાયટીમાં ૧૫૦૦થી વધારે મકાનો છે અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ઉભી થઇ રહી હોવાથી સ્થાનિક રહિશો વિરોધ કરી રહ્યાં છે. આ ઉપરાંત શક્તિ સીક્યુરિટી એજન્સી અને અન્ય મુદ્ા પણ વિપક્ષ ગજવશે.
મ્યુનિસિપલ કમિશનર લોકોને સુવિધા આપવામાં અને ભ્રષ્ટાચારને નાથવામાં નિષ્ફળ નીવડ્યાં છે: પાયલ સાકરિયા
મ્યુનિસિપલ કમિશનરની મુખ્ય જવાબદારી લોકોની સુખાકારીનું ધ્યાન રાખવાનું છે પરંતુ શાલિની અગ્રવાલ રસ્તા, પાણી જેવી પ્રાથમિક સુવિધા પ્રત્યે પુરતું ધ્યાન આપતાં નથી. વરાછા, અમરોલી, કોસાડ, બમરોલી સહિતનાં વિસ્તારોમાં પાણીનાં મીટર લગાવીને મોટા મોટા બિલો આપવામાં આવ્યાં છે. શહેરમાં એક વિસ્તારમાં પાણીનો કોઇ ચાર્જ લેવાતો નથી જ્યારે બીજા વિસ્તારમાં મીટર લગાવીને બિલો ફટકારાય છે. શહેરનાં રસ્તાઓ તૂટ્યાં છે જે માટે રોડ કોન્ટ્રાક્ટરો અને મનપાનાં અધિકારીઓ જવાબદાર છે પરંતુ કમિશનરે કડક પગલાં લીધાં નથી. સીક્યુરિટી કૌભાંડ આચરનાર શક્તિ એજન્સી સામે કાર્યવાહી કરવાની કમિશનરે ખાતરી આપી હતી પરંતુ કાર્યવાહી કરી નથી. બીયુસી વિના સંખ્યાબંધ પરિવારોને વસવાટની પરવાનગી આપી દેનાર પાલ-અડાજણનાં કાંસા રિવેરા એપાર્ટમેન્ટનાં કિસ્સામાં પણ મ્યુનિસિપલ કમિશનરે કોઇ જ કાર્યવાહી કરી નથી. લોકોને સુવિધા આપવામાં તેમજ ભ્રષ્ટાચારને નાથવામાં કમિશનર નિષ્ફળ નીવડ્યાં હોવાથી લોકોનાં હિતનાં મુદ્દે તેઓ સામાન્ય સભામાં અવાજ ઉઠાવશે તેમ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું.