વડોદરા, તા.૮

પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૦૦ રૂપિયા સુધી પહોંચી જતાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભાવવધારાનો અબકી બાર મહંગી સરકાર...ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલના પ્રતિલિટરે ૧૦૦ થવા પર ૧૦૦ રૂપિયા લખીને કેપ કાપીને અનોખો વિરોધ કર્યો હતો. સામાન્ય લોકોનો અવાજ ઉઠાવી રહેલા કોંગ્રેસના કાર્યકરો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસતંત્ર દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. પ્રતાપનગર રોડ ઉપર કોંગ્રેસના કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવવધારાના વિરોધમાં આયોજિત પ્રદર્શન કાર્યક્રમે શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું.

સતત વધતી જતી મોંઘવારીએ સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ કરી દીધું છે. તહેવારો ટાણે વધી રહેલી મોંઘવારીમાં સામાન્ય માણસ પીસાઇ રહ્યો છે. ગરીબોને ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. ત્યારે આ સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડર સહિત વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં થઇ રહેલા ક્રમશઃ ભાવવધારા સામે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં આંદોલનનું રણશીંગુ ફૂંક્યું છે. પેટ્રોલનો ભાવ પ્રતિલિટર ૧૦૦ રૂપિયા ઉપર પહોંચી ગયો છે. ગેસ સિલિન્ડર ૯૦૦ રૂપિયાની નજીક પહોંચી ગયા છે, ત્યારે લાચાર બનીને મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજાનો અવાજ બનવા માટે શહેર કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે. આજે શહેર કોંગ્રેસ પ્રવક્તા અમિત ગોટીકરની આગેવાનીમાં શહેર કોંગ્રેસ દ્વારા પ્રતાપનગર રોડ ખાતેના પેટ્રોલ પંપ બહાર અબકી બાર મહેંગી સરકાર... જેવા બેનર્સ અને પોસ્ટર્સ સાથે દેખાવો-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જાહેર માર્ગ ઉપર આયોજિત આ કાર્યક્રમે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.