જામનગર-

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું કાઉન્ટ-ડાઉન શરૂ થતાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસના કાયમી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે, સાથોસાથ જામનગર શહેર-જિલ્લામાં આખેઆખા સંગઠન માળખાની પણ રચના કરી દેવામાં આવી છે. આ સંગઠન માળખામાં યુવા તરવરિયા કાર્યકર્તાઓને સ્થાન મળતા કોંગ્રેસ છાવણીમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રદેશ મોવડી અને જામનગર જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સાથે વિચાર-વિમર્શ સત્તાવાર રીતે જામનગર કોંગ્રેસનું સંગઠન માળખું જાહેર કર્યું છે જે અંતર્ગત શહેર પ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ (દીગુભા) ટેમુભા જાડેજા, સંગઠન મહામંત્રી તરીકે પાર્થ મોતીલાલ પટેલ અને આનંદભાઈ નાથાભાઈ ગોહિલની વરણી કરવામાં આવી છે એ જ રીતે મહામંત્રી તરીકે પ્રવીણભાઈ ભીમજીભાઈ જેઠવા, સાજીદભાઈ ઉમરભાઈ બ્લોચ, જાગૃતિબેન અશોકભાઈ આચાર્ય અને મહેન્દ્રભાઈ માધવભાઈ પંડયાની નિમણૂંક કરવામાં આવી છે. ખજાનચી તરીકે હાર્દિકભાઈ અશોકભાઈ દવે અને પ્રવકતા તરીકે ભરતભાઈ વ્રજલાલ વાળાની નિમણૂંક કરવામાં આવી છે.નોંધનીય છે કે, મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈ અત્યારથી જ મિટીંગોનો ધમધમાટ શરૂ કરાયો છે અને જામનગર શહેર-જિલ્લા કોંગે્રસ સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા શહેરના તમામ વોર્ડમાં પ્રમુખોની નિમણૂંક કરવાની સાથે ઉપપ્રમુખ અને મહામંત્રીઓની પણ નિયુક્તિ કરવામાં આવી છે અને સંગઠન માળખાના મોટાભાગના પદો ઉપર યુવા અને સક્રિય કાર્યકરોની નિયુક્તિથી કોંગી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.