વડોદરા, તા.૨૩

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં દુર્ગંધ મારતા દૂષિત પાણીના ત્રાસથી કંટાળેલી ગૃહિણીઓએ સ્થાનિક ભાજપ મહિલા કોર્પોરેટરોને રજૂઆત કરતાં ઉદ્ધતાઈભર્યો જવાબ મળતાં ભારે નારાજગી સાથે રોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળવું, ઉપરાંત દૂષિત પાણી મળવાની સમસ્યા છે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં વર્ષોથી પાણીનો કકળાટ છે. પરંતુ નવાઇની વાત એ છે કે ઘણા વિસ્તારોમાં પીવાનું પાણી ડ્રેનેજ મિશ્રિત આવતું હોવાની બૂમો ઊઠી છે. શહેરના ફતેપુરા કોયલી ફળિયામાં છેલ્લા બે વર્ષથી દૂષિત પાણીની સમસ્યાના કારણે ગૃહિણીઓએ તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગંભીર આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, સ્થાનિક મહિલા કોર્પોરેટરોને આ અંગે વારંવાર રજૂઆત કરી છે. પરંતુ તેઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે અને જણાવે છે કે તમારે વરઘોડો કાઢવો હોય તો કાઢો, પાણી ગંદું જ મળશે અથવા તમારા ખર્ચે નવી લાઇન નંખાવો તેમ જણાવતા હોવાના આક્ષેપ કર્યો હતો. આ પ્રકારના શબ્દો યોગ્ય નથી જેથી અમે તેમના માથે માટલાં ફોડીશું. આ વિસ્તારમાં એકઠી થયેલી મહિલાઓએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરીને સ્વચ્છ અને પૂરતું પાણી મળે તેવી માગ કરી હતી.