લુણા ગામને પરિષ્કૃત કરતા શિક્ષિકા સોનલબેન પઢિયાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, સપ્ટેમ્બર 2025  |   વડોદરા   |   11385

જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સોનલબેન પઢિયારની પસંદગી

પાદરા તાલુકાની લુણા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલબેન પઢિયાર શિક્ષણ ક્ષેત્રે તેમના અનોખા અને ઉદ્દાત ભાવથી સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષણને માત્ર એક વ્યવસાય નહીં, પરંતુ સેવા અને સંસ્કાર સાથે જોડીને તેમણે શાળા અને ગામની કાયાપલટ કરી છે. તેમના આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ, તેમની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે.

આર્થિક રીતે અસક્ષમ બાળકીઓને દત્તક લઈ ગુરુ બન્યા

સોનલબેન માત્ર વર્ગખંડ પૂરતા સીમિત નથી. તેમણે અનેક જરૂરિયાતમંદ બાળકોની જવાબદારી ઉપાડી લીધી છે. એક દીકરી જે છત્રછાયા વિનાની હતી, તેનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરાવીને તેમણે તેને આગળ અભ્યાસ માટે મોકલી આપી. આ ઉપરાંત, એક એવા પરિવારની બે દીકરીઓનો શિક્ષણ ખર્ચ ઉઠાવ્યો, જેમના પિતા પરિવાર છોડીને જતા રહ્યા હતા. તેમણે આ પરિવારને રાશન આપીને પણ મદદ કરી. સોનલબેન કહે છે કે, "હું શિક્ષણ માટે માત્ર એક કારકૂન નથી, હું દરેક બાળકને પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છું. શાળાના તમામ છાત્રો અમારા જ બાળકો છે." આ નિવેદન તેમના નિઃસ્વાર્થ ભાવને દર્શાવે છે.

લોકસહયોગથી શાળામાં નવીન પ્રયોગો

દિવ્યાંગ હોવા છતાં, ૪૨ વર્ષીય સોનલબેન છેલ્લા ૧૫ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે અને ૪ વર્ષથી લુણાની શાળામાં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો કરવા માટે તેઓ જાણીતા છે. તેમણે લોકસહકારથી શાળામાં લાઈવ મોડલ સાથે સાયન્સ લેબ, સ્માર્ટ વર્ગો અને લાઇબ્રેરીનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત, દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમણે સીવણ અને બ્યુટી પાર્લરના વર્ગો પણ શરૂ કર્યા છે. એક વિશેષ વાત એ છે કે, સોનલબેન પોતે એન્કરિંગ કરવાનો શોખ ધરાવે છે અને આ કામ માટે મળતું મહેનતાણું બહુધા શાળા અને બાળકોના હિત માટે ખર્ચ કરે છે. સરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં તેમના છાત્રો સારું પ્રદર્શન કરી શિષ્યવૃત્તિ મેળવે છે, જે તેમની અધ્યાપન કલાની સાબિતી છે.

સામાજિક પરિવર્તનનું માધ્યમ

સોનલબેન પઢિયાર માત્ર એક શિક્ષક નથી, પરંતુ સમાજ માટે એક પ્રેરણાસ્ત્રોત બની છે. તેમણે દર્શાવ્યું છે કે એક શિક્ષક અને એક જીવંત શાળા સમગ્ર ગામ અને સમાજને કેવી રીતે પરિષ્કૃત કરી શકે છે. તેમના આ કાર્ય માટે શાળાના આચાર્ય નર્મદાબેન વાઘેલા, સહકર્મીઓ અને સમગ્ર શાળા પરિવાર તરફથી તેમની પ્રશંસા કરવામાં આવી છે. આ એવોર્ડ તેમને વધુ ઉત્સાહ અને જવાબદારીની ભાવના આપે છે, જેથી તેઓ શિક્ષણને વધુ ઊંચાઈએ લઈ જઈ શકે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution