દિલ્હી-

પાકિસ્તાન સરકાર પોતાના ભારત વિરોધી એજન્ડાને આગળ વધારવા માટે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓને એમબીબીએસ, એન્જિનિયરીંગ સહિતની અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને શિષ્યવૃત્તિ આપે છે. ડૉક્ટર અને એન્જિનિયર બનવા માટે પાકિસ્તાન પહોંચનારા કાશ્મીરી વિદ્યાર્થીઓમાં જિહાદી અને અલગાવવાદી માનસિકતાને પ્રોત્સાહન આપી તેમને આતંકવાદી અને અલગાવવાદી બનાવવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં ટેરર ફન્ડિંગની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ પાકિસ્તાનના આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

તપાસ એજન્સીના અહેવાલ પ્રમાણે આતંકવાદીઓ, હુર્રિયત કોન્ફરન્સ અને પાકિસ્તાન સરકાર વચ્ચે એક ત્રિપક્ષીય ગઠબંધન છે જે પાકિસ્તાન તરફ ઝુકાવ રાખનારા કાશ્મીરી ડૉક્ટર, એન્જિનિયરની એક ફોજ તૈયાર કરવામાં લાગેલું છે.

કટ્ટરપંથી હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની અને ઉદારવાદી હુર્રિયત નેતા મીરવાઈઝ મૌલવી ઉમર ફારૂક અને તેમના અનેક સાથીદારો પાકિસ્તાનમાં કાશ્મીરી વિદ્યાર્થીઓના દાખલાનો પ્રબંધ કરતા આવ્યા છે. કાશ્મીરી વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમની ભલામણના આધારે સરળતાથી પાકિસ્તાન માટેના વીઝા મળતા હતા.

તપાસમાં મળેલા અહેવાલ પ્રમાણે જે વિદ્યાર્થીઓ પાકિસ્તાન ભણવા ગયેલા છે તેમાંથી મોટા ભાગના કોઈ પૂર્વ આતંકવાદીના સંબંધી છે અથવા તો કોઈ સક્રિય આતંકવાદી સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા છે. તે સિવાય હુર્રિયત નેતાઓ કાશ્મીરના કેટલાક પ્રભાવશાળી પરિવારના બાળકોને પાકિસ્તાનની મેડિકલ અને એન્જિનિયરીંગ કોલેજમાં દાખલો અપાવવાની આડમાં તેમના પાસેથી મોટી રકમ પણ મેળવે છે.