11, ઓગ્સ્ટ 2025
ઇસ્લામાબાદ |
4455 |
પાક.ની એરસ્પેસ બંધ હોવાથી દરરોજ ભારતના 100થી વધુ વિમાનોની અવર-જવરને અસર
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો અને ત્યારબાદ ભારતે સૈન્ય કાર્યવાહી કરીને પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી, જેને પગલે માત્ર બે જ મહિનામાં પાકિસ્તાનને ૪૧૦ કરોડ જેટલા પાકિસ્તાની રૃપિયાનું નુકસાન થયું છે. ભારતીય રૃપિયામાં આ રકમ ૧૨૭ કરોડ થાય છે. પાકિસ્તાને નેશનલ એસેમ્બ્લીમાં આ જાણકારી આપી હતી.
તા.૨૨મી એપ્રીલે પહલગામ હુમલો થયો હતો જેના બીજા જ દિવસે ભારતે પાકિસ્તાન સાથેનો સિંધુ જળ કરાર અટકાવી દીધો હતો, જે બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. જોકે, એરસ્પેસ બંધ કરતાં ભારતને નહીં પણ ખુદ પાકિસ્તાનને જ મોટું આર્થિક નુકસાન થયું છે. જોકે એવા રિપોર્ટ છે કે આ સમયગાળા દરમિયાન દરરોજ આશરે ૧૦૦થી ૧૫૦ જેટલા ભારતીય વિમાનોની અવર જવર પર પણ થોડીઘણી અસર પડી હતી.
એવુ નથી કે પ્રથમ વખત પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી હોય, આ પહેલા વર્ષ ૨૦૧૯માં પણ ભારત-પાકિસ્તાન સરહદે તંગદીલી દરમિયાન પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી હતી, જેને પગલે પાકિસ્તાનને ૫૪ મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. એટલે કે જ્યારે પણ પાકિસ્તાને પોતાની એરસ્પેસ બંધ કરી છે ત્યારે નુકસાનનો સામનો કરવો પડયો છે. જોકે તેમ છતા પાકિસ્તાન સુધરવા માટે તૈયાર નથી, એપ્રીલ મહિનામાં ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાનો જે નિર્ણય લેવાયો હતો તેમાં હજુસુધી કોઇ જ ફેરફાર નથી કર્યા જ્યારે અન્ય દેશોની ફ્લાઇટો માટે પોતાની એરસ્પેસ પાકિસ્તાને ખોલી આપી છે.