વડોદરા, તા.૨૩

શહેરના માંડવીથી પાણીગેટ, ગેંડીગેટ તેમજ સતત ટ્રાફિકની સમસ્યા છે તેવા આસપાસના વિસ્તારમાં મેયરે સરપ્રાઈઝ વિઝીટ કરીને દબાણની ટીમ સાથે ત્રાટકીને દુકાનદારો દ્વારા દુકાનોની બહાર કરેલા દબાણો, કપડાંની દુકાનોની બહાર લટકાવેલા સ્ટેચ્યૂ વગેરે દૂર કરાવ્યા હતા અને ૨૩ વેપારીઓને દબાણ કરવા બદલ નોટિસ આપવામાં આવી હતી. જાે કે, સોમવારે ચાર દરવાજા વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ હોય છે ત્યારે પાલિકાની કામગીરીને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયાં હતાં.

મેયરે તાજેતરમાં સરપ્રાઈઝ વિઝીટ કરીને મંગળબજાર વિસ્તારના દબાણો દૂર કરાવ્યાં હતાં. જાે કે, દબાણો દૂર કરાવ્યાના બીજા જ દિવસે સ્થિતિ જૈસે-થે થઈ ગઈ હતી. ત્યારે આજે સાંજે મેયર, ડે. મેયર, સ્થાનિક કાઉન્સિલરો સાથે ચાર દરવાજા વિસ્તારમાં માંડવીથી પાણીગેટ, માંડવીથી ચોખંડી તેમજ આસપાસના વિસ્તારમાં દબાણની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી લારી-ગલ્લા, પથારાવાળાઓ અને દુકાનોની બહાર મેની ક્વીન્સ, સ્ટેન્ડ વગેરેના દબાણો દૂર કરાયાં હતાં. જાે કે, દબાણ ટીમે કાર્યવાહી શરૂ કરતાં વેપારીઓના ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને મેયરને રજૂઆત કરી હતી.પાલિકાની દબાણ ટીમે ૧૦ ટ્રક સામાન, ૧૭થી વધુ મેની ક્વીન્સ જપ્ત કર્યા હતા અને દબાણ કરનારા ર૩ વેપારીઓને નોટિસ ફટકારી હતી. મેયરે જણાવ્યું હતું કે, દુકાનોની બહાર સરકારી જગ્યામાં જે દબાણો કરાયા હતા તેમની પાસે વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે, સાથે પોલીસ અને દબાણની એક જાેઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ સિટી વિસ્તારમાં જ્યાં ટ્રાફિકની સમસ્યા છે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ચાર દરવાજા વિસ્તારમાં અનેક દુકાનો બંધ હોય છે ત્યારે સોમવારે એકાએક હાથ ધરાયેલી આ કાર્યવાહીને લઈને લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. જાે કે, પાલિકા દ્વારા આ પૂર્વે અનેક વખત મંગળબજાર, ચાર દરવાજા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી ચૂકી છે પરંતુ ગણતરીના દિવસોમાં સ્થિતિ જૈસે-થે થઈ જાય છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ હજુ પાલિકા લાવી શકી નથી.