ગાંધીનગર, રાજ્યના બહુચર્ચિત એવા હેડક્લાર્ક વર્ગ-૩ની પરીક્ષાના પેપર લીક પ્રકરણમાં જેની સામે શંકાની સોય તકાયેલી છે એવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ચોતરફથી ઉઠવા પામી છે. ત્યારે આજે અસિત વોરાએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીની મુલાકાત બાદ વોરાએ મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત હતી, આ મુલાકાતમાં પેપર લીક પ્રકરણ અંગે કોઈ ચર્ચા કરાઈ નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું. જાે કે આ મુલાકાત બાદ અસિત વોરાની હકાલપટ્ટી કરાશે કે પછી તેને ચાલુ જ રખાશે? તે અંગેની ચર્ચાઓએ પણ જાેર પકડ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી હેડ ક્લાર્ક વર્ગ-૩ની પરીક્ષાનું પેપર લીક થયું હતું. આ પેપર લીક થવાનું કૌભાંડ સામે આવ્યા ગૌણ સેવા મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાને ગઈકાલે રદ કરવામાં આવી હોવાની જાહેરાત કરાઈ હતી. આ પેપર લીક પ્રકરણને લઈને સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાની સામે ભારે રોષની લાગણી પ્રસરી છે. સાથોસાથ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉઠવા પામી છે. ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ સંજાેગોમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા આજે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. એક તરફ વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી કરાઈ હતી. આ દરમિયાનમાં આજે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા હતા. વિવિધ પ્રકારની અટકળો વચ્ચે અસિત વોરાને મુખ્યમંત્રીનું તેડું આવતાની સાથે ચર્ચાએ જાેર પકડ્યું હતું કે, શું અસિત વોરાની ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષપદેથી હકાલપટ્ટી કરાશે. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સામે શંકાની સોય તકાયેલી છે. જ્યારથી પેપરલીક થયું ત્યારથી વિરોધ પક્ષો દ્વારા મંડળના અધ્યક્ષ અસિત વોરા ઉપર આક્ષેપો કરાઈ રહ્યાં છે. તેવા સંજાેગોમાં આજે સવારના ૧૦ વાગે કેબિનેટની બેઠક શરુ થઈ હતી. આ કેબિનેટની બેઠક ચાલતી હતી, તે દરમિયાન અસિત વોરા મુખ્યમંત્રીની ઓફિસ પહોંચ્યા હતા. કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અસિત વોરા વચ્ચે બંધ બારણે ખાનગી બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાતને લઈ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ હતી. જાે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નિકળતા અસિત વોરાએ મીડિયાએ સવાલો કરતા જણાવ્યું હતું કે, સીએમ સાથે સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી. આ શુભેચ્છા મુલાકાતમાં હેડ ક્લાર્કના પેપર લીક બાબતે કોઈ જ ચર્ચા કરવામાં આવી ન હતી. એક તરફ સમગ્ર રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના કૌભાંડના પગલે તંત્ર દ્વારા પરીક્ષા રદ કરાઈ છે. જેના કારણે રાજ્યભરના ૮૮ હજાર પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ અને પરિવારજનોમાં ભારે રોષની લાગણી પ્રસરેલી છે.

પેપર લીક પ્રકરણમાં પારદર્શી તપાસ કરીને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરાશેઃ વાઘાણી

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના બની છે. આ પેપર લીક પ્રકરણમાં સંપૂર્ણ પારદર્શી તપાસ કરાશે અને કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આગામી સમયમાં સંપૂર્ણ પારદર્શી રીતે પરીક્ષા યોજાય અને પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા અંગેની શક્યતાઓ અંગે પણ વિચારણા કરાશે. આ અંગે મુખ્યમંત્રી દ્વારા જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું. આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કના પેપર લીક પ્રકરણ અંગે જણાવ્યું હતું કે, તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાના સંદર્ભે પેપર લીક થવાની ઘટનાની સંપૂર્ણપણે પારદર્શી તપાસ થાય તે માટે પ્રથમ દિવસથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આદેશો આપી દેવાયા છે. તેમજ રાજ્યના વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે માટે સતત પ્રયાસો સરકાર કરી રહી છે અને કરશે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે આ ઘટના સંદર્ભે સંડોવાયેલા લોકોને દાખલો બેસે એવી સજા કરવાનો પણ રાજ્ય સરકાર દ્વારા ર્નિણય કરાયો છે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પેપર લીકની ઘટનામાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિઓને રાજ્ય સરકાર બક્ષવા માંગતી નથી. આ ઘટનામાં જે કોઈ પણ કસૂરવારો હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉપવાસ ઉપર ઉતરે તે અગાઉ ‘આપ’ના ગુલાબસિંહ-મહેશ સવાણીની અટકાયત

પેપર લીક મામલે ભાજપ કાર્યાલય સામે દેખાવો કરવા ગયેલા ‘આપ’ના કાર્યકરો અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ‘આપ’ના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ જેલમાં ધકેલી દેવાયા છે. જેના વિરોધમાં ‘આપ’ના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ નેતા મહેશ સવાણી આજથી ભૂખ હડતાલ કરવાના હતા. પરંતુ તેઓ ભૂખ હડતાલ ઉપર ઉતરે તે પૂર્વે ‘આપ’ના નેતા ગુલાબસિંહ યાદવ અને મહેશ સવાણીની પોલીસે અટકાયત કરી હતી. ગુજરાતમાં હેડક્લાર્ક વર્ગ-૩ની પરીક્ષાના પેપર લીક મામલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય ‘કમલમ‘માં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી અપાયા છે. આ મામલે ‘આપ’ના પ્રભારી ગુલાબસિંહ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, અમે આજથી ઉપવાસ પર ઉતરીશું. તેમણે કહ્યું હતું કે અસિત વોરા સામે કેમ કાવતરા હેઠળ ફરિયાદ ન કરી. તેમણે કહ્યું હતું કે, પેપર લિકમાં અસિત વોરા સામે ગુનો દાખલ કરાય અને અસિત વોરાએ રાજીનામું આપવું જાેઈએ.ભાજપના સીઆર પાટીલનો અસિત વોરા પર હાથ છે. આજથી અમે કલેક્ટર ઓફિસ બહાર બેસીશું.આજથી હું અને મહેશભાઈ સવાણી અન્ન ત્યાગ કરીએ છીએ. કોંગ્રેસ તો મૂકદર્શક બની ગઈ છે. ગુલાબસિંહે જણાવ્યું હતું કે, યુવા નેતા યુવરાજસિંહે મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ આ ભાજપની સરકાર કંઈ જ સાંભળે તેમ ન હતું. જેથી એક પાર્ટી તરીકે અમે ધરણા કર્યાં હતાં. અસિત વોરા પર ભાજપ પ્રમુખ પાટીલનો હાથ છે.

રસ્તા પર વાહનો ખડકી કોંગ્રેસની રેલીને નિષ્ફળ બનાવતી શહેર પોલીસ

હેડક્લાર્કની પરીક્ષાના પેપરલીક મુદ્દે કોંગ્રેસ પણ આંદોલન કરી રહી છે. સરકારનો વિરોધ કરવા માટે કોંગ્રેસ દ્વારા રેલી યોજવાની જાહેરાત કરી હતી પરંતુ પોલીસે રેલી સફળ થવા દીધી ન હતી. ભાજપ સરકારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા બાઇક રેલીની જાહેરાત કરવામાં આવી હતી. પાલડી ડો. રાજીવ ગાંધી ભવનથી કલેક્ટર કચેરી સુધીની બાઇક રેલી યોજવાની હતી.

પરંતુ પાલડી રાજીવ ગાંધી ભવનથી રેલી કાઢવા જઈ રહેલા કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર   નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસની રેલી નીકળે તે પહેલાં જ ચારે તરફથી પોલીસે રાજીવ ગાંધી ભવનને ઘેરી લીધું હતું. તમામ રસ્તાઓ પર પોલીસની ગાડીઓ મૂકી દેવામાં આવી છે. જેથી બહારથી કોઈપણ અંદર અને અંદરથી કોઈ બહાર જઈ શકે નહિ.કોંગ્રેસ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પેપરલીક કાંડ મામલ કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા પરંતુ પોલીસે તેને નિષ્ફળ બનાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પેપરલીક કાંડમાં રાજકીય ગરમાવો વધ્યો છે એ વચ્ચે હવે કોંગ્રેસ પણ પેપરલીંક કાંડના વિરોધમાં રસ્તા પર ઉતરી છે.