લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, એપ્રીલ 2026 |
1881
પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસરો હવે પાકિસ્તાનમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલની સંકટને કારણે સરકારે દેશભરમાં કડક પ્રતિબંધો લાદ્યા છે. વડા પ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ મંગળવારે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. પીએમઓ અનુસાર, દેશના મોટાભાગના ભાગોમાં બજારો અને શોપિંગ મોલ હવે રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. એ પછી ખુલ્લા રહી શકશે નહીં. રેસ્ટોરન્ટ્સ, બેકરીઓ અને અન્ય ખાદ્ય અને પીણાના આઉટલેટ્સ રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં બંધ કરવા પડશે. લગ્ન હોલ અને અન્ય વ્યાપારી સ્થળોને પણ રાત્રે ૧૦ વાગ્યા પછી ખુલ્લા રાખવાની મનાઈ રહેશે. સરકારે ખાનગી લગ્ન સમારોહ પર પણ નિયંત્રણો કડક કર્યા છે. ઘરો અને ખાનગી જગ્યાઓમાં લગ્ન અને અન્ય કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે નહીં.
જાેકે, મેડિકલ સ્ટોર્સ અને ફાર્મસીઓને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે જેથી આવશ્યક દવાઓ અને આરોગ્ય સેવાઓ પ્રભાવિત ન થાય. ગલ્ફ ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને કારણે ગ્લોબલ ક્રૂડ ઓઈલ સપ્લાય ચેઈન પર અસર પડી છે. આના કારણે પાકિસ્તાનમાં ઇંધણની અછત વધી રહી છે. સરકારે વપરાશ ઘટાડવા અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે આ કડક પગલાં લીધા છે.