/
અલ્પેશ લિંબાચિયાને પક્ષની શોકોઝ નોટિસ ઃ ચાર દિવસમાં ખુલાસો કરો

વડોદરા, તા.૨૪

વડોદરા શહેરના મેયર સામે ગંભીર આક્ષેપો કરતી નનામી પત્રિકા ફરતી કરવાના મામલે કોર્પોરેશનમાં ભાજપ પક્ષના નેતા અલ્પેશ લિંબાચિયા અને તેમના સંબંધીનું નામ પ્રકાશમાં આવતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને શહેર ભાજપ પ્રમુખે પક્ષની શિસ્ત વિરુદ્ધની કામગીરી અંગે પક્ષમાંથી બરતરફ કેમ કરવા નહીં તેનો ચાર દિવસમાં ખુલાસો કરવા શોકોઝ નોટિસ સાથે કાઉન્સિલરપદેથી ગેરલાયક ઠેરવવા કાર્યવાહી શરૂ કરવા દંડકને આદેશ કર્યો છે. આમ હવે અલ્પેશ લિંબાચિયાને કાઉન્સિલરપદેથી ભાજપ દૂર કરશે કે લિંબાચિયા રાજીનામું આપશે? તેવી ચર્ચા પાલિકાના વર્તુળોમાં શરૂ થઈ છે.

વડોદરાના મેયર નિલેશ રાઠોડ સામે આક્ષેપ કરતી નનામી પત્રિકા સંગઠનના અગ્રણીઓ, કાઉન્સિલરોને ત્યાં પોસ્ટ કરીને ફરતી થતાં ભાજપ મોરચે ખળભળાટ મચ્યો હતો. ત્યારે ભાજપની મોટી સંકલન સમિતિની બેઠકમાં મેયરને કાર્યવાહી માટે નિર્દેશ કરાયા બાદ તેમણે પોલીસ કમિશનરને આ અંગે ફરિયાદ કરતાં ફરિયાદના ચાર દિવસમાં જ કોર્પોરેશનમાં ભાજપ પક્ષના નેતા અલ્પેશ લિંબાચિયાના સાળા સહિત બે જણાની ધરપકડ બાદ ગત મોડી રાત્રે નનામી પત્રિકાકાંડમાં અલ્પેશ લિંબાચિયાની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

ભાજપ પક્ષના પૂર્વ નેતા અલ્પેશ લિંબાચિયાની ધરપકડ થતાં હવે તે કાઉન્સિલરપદે ચાલુ રહેશે કે કેમ? પક્ષમાંથી પણ બરતરફ કરાશે? તેવી અટકળો અને કાર્યકરોમાં ચાલતી ચર્ચા બાદ મોડી સાંજે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે અલ્પેશ લિંબાચિયાને શોકોઝ નોટિસ આપી હતી. આ નોટિસ શહેર ભાજપના મહામંત્રી જશવંતસિંહે શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં જઈને અલ્પેશ લિંબાચિયાને આપી હોવાનું જાણવા મળે છે.નોટિસમાં જણાવ્યું છે કે, છેલ્લાં ઘણાં સમયથી પક્ષવિરોધી પ્રવૃત્તિ જાહેરમાં કરી રહ્યા છે. ચૂંટાયેલી પાંખ તથા શહેર સંગઠન વિરુદ્ધ નિવેદનબાજી અને ખોટા આક્ષેપો કરી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે ઘેરવા મેળાપીપણાથી વાહિયાત પત્રિકાઓ વિતરણ કરી રહ્યા છે.

આ પ્રવૃત્તિઓ પક્ષના બંધારણના શિસ્તની વિરુદ્ધ છે, તેથી પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા તે અંગે ચાર દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે. ઉપરાંત પાલિકાના દંડક ચિરાગ બારોટને અલ્પેશ લિંબાચિયાને નગરસેવક તરીકે ગેરલાયક ઠેરવવા તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

લિંબાચિયાની ગાડી દોઢ દિવસે વ્હીકલ પુલમાં જમા થઈ!

મેયર સામેની નનામી પત્રિકાકાંડમાં અલ્પેશ લિંબાચિયાનું નામ પ્રકાશમાં આવતાં તેમણે પક્ષના નેતાપદેથી રાજીનામું ભાજપ પક્ષને આપ્યું હોવાનું શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું. પરંતુ મળતી વિગતો મુજબ શુક્રવારે રાત્રે રાજીનામું આપ્યા બાદ પક્ષના નેતા તરીકે પાલિકાએ ફાળવેલી ગાડી જમા કરાવી ન હતી. નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યા બાદ ગાડીનો ઉપયોગ કરી શકે નહીં. પરંતુ તેમની ગાડી રવિવારે બપોરે ૩ વાગે વ્હીકલપુલમાં જમા થઈ હતી. ત્યારે દોઢ દિવસ ગાડી ક્યાં ફરી તે લૉગબુકની તપાસ થાય તો વિગતો બહાર આવે.

મધ્ય રાત્રિએ ઘરમાંથી બોલેરોની ચોરીની પણ વાત ઉછળી

થોડા સમય અગાઉ ભાજપના પાલિકાના નેતા અલ્પેશ લીંબાચીયાના ઘરના આંગણમાંથી માધ્ય રાત્રીના સુમારે બોલેરો ગાડીની ચોરી થવા પામી હતી. આ ચોરીના પ્રકરણમાં પણ કોઈ ષડયંત્ર હતું એવી ચર્ચા ભાજપના આંતરિક વર્તુળોમાં થઇ રહી છે.જે ચર્ચા મુજબ આ બોલેરો ચોરીના સમગ્ર પ્રકરણમાં કોઈ આંતરરાજ્ય ગેરકાયદેસર હેરાફેરીની ટોળકીની સાઠગાંઠ હોવાનું ચર્ચાય છે.જાે આ સાચું હોય તો શરમજનક છે. એમ પક્ષના કાર્યકરો માની રહયા છે.

મેયરના પદગ્રહણ સમારોહમાં મુક્તકંઠે પ્રસંશા કરનાર વેરી કેમ બન્યો?

વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ મેયર કેયુર રોકડિયાને ધારાસભ્યની ટિકિટ મળતા તેઓ ચૂંટાઈ આવ્યા હતા.જેને કારણે મેયર પદેથી રાજીનામુ આપતા માત્ર છ માસના ટૂંકા ગળાને માટે મેયરપદે નિલેશ રાઠોડની વરણી કરવામાં આવી હતી.આ સમયે મળેલી સામાન્ય સભામાં જય અને વીરુની જાેડી સમાન મનાતા અને એક જ વિસ્તારમાંથી આવતા નિલેશ રાઠોડ અને અલ્પેશ લીંબાચીયા પૈકી અલ્પેશ લીંબાચિયાએ પોતાના વક્તવ્યમાં નિલેશ રાઠોડના પેટ ભરીને વખાણ કર્યા હતા.તેઓએ ૧૯૯૬થી બંને વચ્ચેના બાળપણથી રહેલા સંબંધોની યાદ તાજી કરીને વીએચપી -બજરંગદળની સાથોસાથ કરેલ કામગીરીના પ્રસંગોને વાગોળ્યા હતા. તેમજ નિલેશ રાઠોડની પસંદગીને યોગ્ય ઠેરવી હતી.બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી.તો પછી નિલેશ રાઠોડના મેયર થયા પછીથી એવું તે શુ થયું કે બંને એક બીજાના વેરી બની ગયા.એ બાબત ચર્ચાનો વિષય બની ગઈ હતી.જાે કે આ કોયડો ભલે જેટલા મોઢા એટલી વાત સમાન બન્યો પરંતુ તેમ છતાં વણઉક્લ્યો રહ્યો છે.

લિંબાચિયાએ તમાચાની વસૂલાતમાં સર્વસ્વ ગુમાવવાનો વારો આવ્યો?

વડોદરા મહાનગર પાલિકાના મેયર નિલેશસિંહ રાઠોડ અને પાલિકાના સત્તાધારી પક્ષના નેતા અલ્પેશ લીંબાચીયા એક જ વિસ્તારમાંથી આવતા હોવા ઉપરાંત વ્યવસાયમાં પણ સાઠગાંઠ ધરાવે છે.આ કોન્ટ્રાકટના વ્યવસાયને લઈને બંને વચ્ચે થોડા સમય અગાઉ માથાકૂટ થઇ હતી.જેને લઈને મેયર નિલેશ રાઠોડે નેતા અલ્પેશ લીંબાચીયાને તમાચો ચોઢી દીધો હતો.આ બાબતને લઈને તમાચો મારવા બદલ સતત બદલાની ભાવના લઈને ફરતા અલ્પેશ લીંબાચિયાએ સાળા અને સાઢુભાઈ સાથે મળીને નિલેશ રાઠોડ અને એના ભાઈઓ સામે પત્રિકા યુદ્ધ છેડી દીધું હતું.જેનો પ્રદાફાશ થતા અલ્પેશને તમાચાની વેરની વસૂલાતમાં સર્વસ્વ ઘુમાવવાનો વારો આવ્યો હતો.ત્યારે પક્ષમાં એવી ચર્ચા થતી જાેવા મળી હતી કે સત્તા આગળ શાણપણ નકામું.

અલ્પેશ લિંબાચિયાના ઘમંડ અને અહમ્‌ે જ એને પછાડ્યો

ભાજપના વડોદરા મહાનગર પાલિકાના કાઉન્સિલર અલ્પેશ લીંબાચીયાને એનો ઘમંડ અને અહમ નડ્યો હોવાનું પક્ષના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. પોતાની જાતને સુપર મેન માનતા અલ્પેશ લીંબાચીયાના બેફામ વાણી વિલાસ અને વર્તનનો ઘણાને કડવો અનુભવ થયો છે પરંતુ એ પાલિકાના પક્ષના નેતા હોઈ વાઘનું મોં ગંધાય છે એવું કહેવાની કોઈ હિંમત કરી શક્યું નહોતું. સામા પક્ષે અલ્પેશ લીંબાચિયાએ પણ ભાજપ પક્ષ અને સત્તાની આડમાં એવો હાઉ ઉભો કર્યો હતો.કે કોઈ કાર્યકર કે વિસ્તારના નાગરિક એમને માટે એક શબ્દ કહેવા તૈયાર નહોતું.આજ ઘમંડ અને અહમમાં રાચતા અલ્પેશ લીંબાચીયા જય વીરુની જાેડી સમાન મેયર નિલેશ રાઠોડ સામે પત્રિકા યુદ્ધ છેડવાની ભૂલ કરી બેઠા એમાં સર્વસ્વ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

કોર્પોરેટરપદેથી અલ્પેશ લિંબાચિયાની વિદાય નક્કી

મેયરની નનામી પત્રિકાકાંડમાં સંડોવાયેલા ભાજપ પક્ષના પૂર્વ નેતા અલ્પેશ લિંબાચિયાને શોકોઝ નોટિસની પ્રક્રિયા બાદ બરતરફ કરવાની પ્રક્રિયા શરૂ કરાય તેવી મંજૂરી પ્રદેશ મોવડીઓએ આપી દીધી હોવાનું જાણવા મળે છે. પક્ષના મેન્ડેટના આધારે બરતરફીની કાર્યવાહી કરાય તેવી શક્યતા વચ્ચે શહેરમાં કાઉન્સિલરની એક બેઠક ખાલી પડશે અને આ ખાલી જગ્યા પર પેટાચૂંટણી થાય તેવી શક્યતા છે.

પાલિકામાં ભાજપની ઓફિસમાં લિંબાચિયાની નેમપ્લેટ યથાવત્‌!

વડોદરા કોર્પોરેશનમાં ભાજપની ઓફિસમાં પક્ષના નેતાની ઓફિસની બહાર અલ્પેશ લિંબાચિયાના નામની તકતી યથાવત્‌ રહેતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે. જાે કે, ભાજપ પક્ષ દ્વારા પક્ષના નેતાપદેથી તેમને દૂર કરાયા હોવાનો કોઈ પત્ર નહીં મળતાં તેમની નેમપ્લેટ હજી દૂર કરાઈ નહીં હોવાનું જાણવા મળે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution