વડોદરા, તા.૮

શહેરની સયાજી હોસ્પિટલમાં અજાણી વ્યક્તિનું મોત થયા બાદ મૃતદેહને કોરોનાની કિટમાં રેપિંગ કર્યા બાદ કોલ્ડરૂમમાં લઈ જતી વખતે આ મૃતદેહ એનસીઓટી તાત્કાલિક સારવાર વિભાગની કેસ બારી પાસે જ વચ્ચે સ્ટ્રેચર ઉપર મુકી રાખવામાં આવતાં કેસ કઢાવવા આવતા તેમજ એનસીઓટીમાં આવતા-જતા લોકોમાં કુતૂહલ ફેલાઈ રહ્યું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર સયાજી હોસ્પિટલમાં અજાણી વ્યક્તિ સારવાર માટે દાખલ થઈ હતી. સારવાર દરમિયાન આ વ્યક્તિનું મોત થયું હતું. કાનૂની રાહે તેના મૃતદેહનો નિકાલ કરવા માટે તબીબો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. મૃતદેહને કોરોનાની ગાઈડલાઈન મુજબ કિટમાં રેપિંગ કરી પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં મોકલી આપવામાં આવ્યો હતો. જાે કે, મૃતદેહને કોલ્ડરૂમમાં લઈ જવાને બદલે મૃતદેહ તાત્કાલિક સારવાર વિભાગની કેસ બારી પાસે જ સ્ટ્રેચર પર મુકી રાખવામાં આવ્યો હતો, જેથી એનસીઓટીમાં આવતા-જતા દર્દીઓ તેમજ કેસ બારી પાસે કેસ કઢાવવા આવતા દર્દીઓમાં એક પ્રકારનું કુતૂહલ ફેલાઈ રહ્યું હતું.