વડોદરા : આમ આદમી પાર્ટી - આપના કાર્યકરો દ્વારા ગાંધી નગરગૃહ ખાતે રિક્ષા સહિત્ના વાહનોમાં સીએનજી કીટના ટેસ્ટિંગની સમયમર્યાદા વધારવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. પોલીસે જાહેરનામાના ભંગ બદલ ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી. ‘આપ’ પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ રોજેરોજ પ્રજાના પ્રશ્નોને લઈને આંદોલનો થઈ રહ્યા છે અને મજબૂત વિરોધ પક્ષની ભૂમિકામાં આમ આદમીપાર્ટી - આપ આવી રહી છે.
રાજ્ય સરકારે રિક્ષા અને અન્ય વાહનોમાં ફીટ કરેલી સીએનજી કીટનું ટેસ્ટિંગ કરવા માટેનો નવો નિયમ લાગુ કર્યો છે, ત્યારે શહેરમાં ટેસ્ટિંગ માટે માત્ર ચાર પંપો છે, જેથી અપૂરતી વ્યવસ્થા છે તે વધારવા, સમયમર્યાદા વધારવા તેમજ ભાવ ઉપર અંકુશ રાખવાની માગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી નગરગૃહ ખાતે ધરણાં યોજવામાં આવ્યાં હતાં અને રામધૂન કરીને નારાજગી દર્શાવી હતી. આ દરમિયાન રાવપુરા પોલીસે કોરોના ગાઇડલાઈનના ભંગ બદલ આમ આદમી પાર્ટીના ૧૫ કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી હતી.
‘આપ’ના અગ્રણીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં હરિયાણામાં થયેલા ગમખ્વાર અકસ્માતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં રિક્ષા તેમજ અન્ય વાહનોમાં લગાવવામાં આવેલી સીએનજી કીટનું ટેસ્ટિંગ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વડોદરામાં ૭૦ હજારથી વધુ રિક્ષાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રોજગારી મેળવી રહ્યા છે. આ જાહેરનામાની સમયમર્યાદા વધારવામાં આવે તે જરૂરી છે. વડોદરામાં ટેસ્ટિંગ માટેના ચાર પંપ આવેલા છે, જેમાં રોજના માંડ ૩૦ જેટલા વાહનોની ટેસ્ટિંગ કીટનું ચેકિંગ થાય છે અને ૬ મહિના સુધીનો વેઇટિંગ પીરિયડ દર્શાવી રહ્યા છે. પરિણામે રિક્ષાચલકોને હાલાકી ભોગવવાની સાથે આજિવિકા સામે કોરોનાકાળમાં પડતા પર પાટુ સમાન ઘાટ સર્જાયો છે. અપૂરતી વ્યવસ્થા છે તેને કારણે રિક્ષાચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજ્ય સરકારે વધુ ચાર મહિનાની મુદત વધારવી જાેઈએ, સીએનજી ગેસના ભાવ ઉપર અંકુશ રાખવો જાેઈએ, જેથી રિક્ષાચાલકને રાહત થાય. ‘આપ’એ આ અંગે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હોવા છતાં કોઇ નિરાકરણ ન આવતાં ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો હતો. જાે કે, વિરોધ કરી રહેલા ‘આપ’ના ૧૫ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
------------
‘’
Loading ...