વડોદરા, તા.૩૦

વડોદરા શહેર ભાજપા સંગઠન અને પાલિકાના હોદ્દેદારો વચ્ચેની જૂથબંધીની લડાઈ આખરે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના દરબારમાં પહોંચી હતી. સુરત બોલાવાયેલા વડોદરા કોર્પોરેશનના હોદ્દેદારો તેમજ સ્થાયીના સભ્યોને વિવાદનો અંત લાવવા પ્રદેશ પ્રમુખે આદેશ આપી પક્ષના આદેશને માનવાની સૂચના સાથે વ્યક્તિગત મમત રાખતા નેતાઓને પાર્ટી લાઈનમાં રહેવાની તાદીક પણ કરી હોવાનું જાણવા મળેે છે. આમ સંગઠન સર્વોપરીની સીધી સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

વડોદરા કોર્પોરેશનમાં નવા હોદ્દેદારોની નિયુક્તી બાદ શહેર ભાજપા સંગઠન અને પાલિકાના હોદ્દેદારો વચ્ચે જૂથબંધીની સીધી અસર પાછલા કેટલાંક સમયથી જાેવા મળતી હતી. ઉપરાંત સ્થાયીની સંકલનની બેઠકમાં પણ અવાર-નવાર કોઈને કોઈ કામો કે અન્ય કારણોસર વિવાદો પ્રકાશમાં આવતા હતા. પાલિકામાં વર્ચસ્વની લડાઈમાં નગરજનોના તેમજ શહેરના વિકાસના કામો પર પણ તેની સીધી અસર જાેવા મળતી હતી.

જાેકે, સંગઠન અને પાલિકાના હોદ્દેદારો વચ્ચે સર્જાયેલા ધમાસાણનો અંત આવે તે માટે આ પૂર્વે પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. થોડા સમય પૂર્વે જ પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ અને વડોદરા ભાજપાના પ્રભારી ગોરધન ઝડફિયાએ પણ પાલિકાના હોદ્દેદારો તેમજ સ્થાયીના સભ્યો સાથે બેઠક યોજીને હળીમળીને કામગીરી કરવાની તાકીદ કરી હતી.જાેકે, વિવાદ શમવાને બદલે વધુને વધુ વકરતો જાેવા મળ્યો હતો.

ત્યારે પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલે પાલિકાના હોદ્દેદારો, સ્થાયીના સભ્યો, સાંસદ,ધારાસભ્યો તેમજ સંગઠનના અગ્રણીઓને ગાંધીનગર તેડાવ્યા હતા. જાેકે, સોમવારે બજેટ સહિતની વ્યસ્તતાના કારણે બેઠક શક્ય નહીં બનતા આજે સુરત પહોંચવા તાડું મોકલાવ્યું હતું. પ્રદેશ પ્રમુખની ઓફિસમાં વડોદરા શહેર ભાજપાના ચૂંટાયેલા હોદ્દેદારો, સંગઠનના અગ્રણીઓની મળેલી બેઠકમાં સ્થાયીના વિવાદનો અંત લાવવા માટે પ્રદેશ પ્રમુખે આદેશ આપ્યો હતો.

ઉપરાંત પક્ષનો આદેશ તમામે માનવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે. સાથે વ્યક્તિગત મમત રાખતા નેતાઓને પણ પાર્ટી લાઈનમાં રહેવાની તાકીદ કરી હોવાનું જાણવા મળે છે.આમ આડકતરી રીતે સંગઠન સર્વોપરી હોવાની પણ સ્પષ્ટ સૂચના આપી હતી.

ભાજપામાં ચર્ચા ઃ કમ્પાઉન્ડર અને નર્સોની મદદથી એક ડોક્ટરની બીજા ડોક્ટર દ્વારા સફળ સર્જરી

શહેર ભાજપા સંગઠન અને પાલિકાના હોદ્દેદારો વચ્ચે જૂથબંધી અને ગજગ્રાહ ઉત્તરોત્તર વધતા તેમજ વર્ચસ્વની લડાઈ અનેક વખત પ્રકાશમાં આવતા આખરે આ લડાઈ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના દરબારમાં પહોંચી હતી. ત્યારે આજે સવારે સુરત ખાતે પ્રદેશ પ્રમુખની ઓફિસમાં વડોદરા કોર્પોરેશનના હોદ્દેદારો, સ્થાયીના સભ્યો સહિતને બોલાવીને પ્રદેશ પ્રમુખે સ્થાયીના વિવાદનો અંત લાવવા સાથે પક્ષના આદેશને માનવાની સૂચના આપી હતી અને સાથે પાર્ટી લાઈનમાં રહેવાની તાકીદ કરી હોવાનું જાણવા મળે છે. ત્યારે શહેર ભાજપા વર્તુળોમાં હવે ચર્ચા ચાલી રહી છે કે, એક ડોક્ટરે બીજા ડોક્ટરની સફળ સર્જરી કરી છે. જાેકે, આ ઓપરેશનમાં ડોક્ટર જાતે તો હાજર ન હતા, પરંતુ એમના મનીતા કમ્પાઉન્ડર અને નર્સોનો ઉપયોગ કરીને સફળ સર્જરી કરી છે.

બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા?

સુરત ખાતે પ્રદેશ પ્રમુખે વડોદરાના હોદ્દેદારો અને સંગઠનના અગ્રણીઓની બોલાવેલી બેઠકમાં મેયર પિન્કીબેન સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ, ડે.મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી ,પાલિકામાં પક્ષના નેતા મનોજ પટેલ ઉપરાંત સ્થાયી સમિતીના તમામ સભ્યો તેમજ સંગઠનના ત્રણે મહામંત્રી જસવંતસિંહ સોલંકી, રાકેશ સેવક, સત્યેન કુલાબકર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ વિદેશ પ્રવાસે હોવાથી તેમજ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ અંગત કારણોસર ઉપસ્થિત રહ્યા ન હોવાનું જાણવા મળે છે.

પાટીલના આદેશ બાદ વડોદરા ભાજપમાં ‘વિજયી ભવ’

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના સંગઠન સર્વોપરીના આદેશ બાદ હવે વડોદરા શહેરમાં ડો.વિજય શાહનો પડ્યો બોલ ઝીલવો પડશે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને બીજી તરફ આગામી લોકસભાની ચૂંટણીમાં હવે આ જ કારણોસર ડો. વિજય શાહને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ પ્રકારની ચર્ચા પણ ભાજપા વર્તુળોમાં થઈ રહી છે.

પાટીલના આદેશ બાદ તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ..!

લોકસત્તા-જનસત્તાએ સ્થાયીના સભ્યો, પાલિકાના હોદ્દેદારો,ધારાસભ્યો સહિતનાને ફોન પર પૃચ્છા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના મીડિયોથી દૂર રહેવાના આદેશ બાદ સંગઠનના હોદ્દેદારો, પાલિકાના પદાધિકારીઓ, સ્થાયીના સભ્યો,ધારાસભ્યો કોઈ બોલવા તૈયાર ન હતું, પરંતુ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

મીડિયામાં બોલતા નેતાઓને ચૂપ રહેવાનો આદેશ

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતીની બેઠક પૂર્વે સ્થાયીની મળતી સંકલનની વાતો, સ્થાયીની વાતો અને પાર્ટી બેઠકની વાતો વારંવાર મીડિયામાં લીક થતી હોય છે. ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ વાતને અત્યંત ગંભીરતાથી લઈને તમામને તાકીદ કરી હતી કે - જાે, હવે ફરી મીડિયામાં કોઈ વાત આવી તો તેની તપાસ કરીને પગલાં લેવામાં આવશે. અને બેઠકમાં ઠપકો પણ આપ્યો હોવાનું જાણવા મળે છે.