GRINDR ડેટિંગ એપથી કોન્ટેક્ટમાં આવેલા લોકોએ વડોદરાના યુવકને લૂંટી લીધો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026  |   વડોદરા   |   2376

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સનો ઉપયોગ સાવચેતી વગર કરવો કેટલો જાેખમી હોઈ શકે છે, તેનો વધુ એક દાખલો વડોદરામાં સામે આવ્યો છે. GRINDR  નામની ડેટિંગ એપ્લિકેશન દ્વારા યુવકનો સંપર્ક કરી તેને રૂબરૂ મળવા બોલાવીને લૂંટ ચલાવવાની ચોંકાવનારી ઘટના બની છે. પાણીગેટ પોલીસે આ મામલે તપાસ તેજ કરી રાજકોટની એક મહિલા આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી યુવક ‘GRINDR  એપ પર નિકુંજ નામના શખ્સના સંપર્કમાં આવ્યો હતો. વીડિયો કોલ અને ચેટિંગ દ્વારા વિશ્વાસ કેળવ્યા બાદ, આરોપીઓએ યુવકને મળવા માટે વડોદરાના ઉમા ચાર રસ્તા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો. આરોપીઓએ આ મકાન ભાડે લેવાના બહાને મકાન માલિક પાસેથી ચાવી મેળવી હતી અને ત્યાં ફરિયાદીને ફસાવ્યો હતો. જેવો યુવક ત્યાં પહોંચ્યો, આરોપીઓએ તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટારુઓએ યુવકને એટીએમ પર લઈ જઈ નાણાં ઉપડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા અંતે યુવક પાસેથી રૂપિયા ૧,૭૫,૦૦૦ની કિંમતની સોનાની ચેઈન અને બે વીંટીઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના ૨૩ માર્ચ, ૨૦૨૬ના રોજ બની હતી. પાણીગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ રાજકોટની ‘મેરીલેન્ડ હોટેલ્રુમાં રોકાયા હતા. પોલીસે રાજકોટમાં દરોડો પાડી આ કાવતરામાં સામેલ મહિલા આરોપી મુમતાજ યોગેશભાઈ ઉર્ફે રાકેશ સિંગરને એક કાર સાથે ઝડપી પાડી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓ એક જ પરિવારના છે. મુખ્ય આરોપી યોગેશ બિંદુ હોવાનું અને તેણે મુમતાજ સાથે લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ નિકુંજ ગોંડલીયા, જનક સીંગર, કેતન દેગામા અને અન્ય એક અજાણ્યા શખ્સની શોધખોળ કરી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution