અમદાવાદ-

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે થોડાં સપ્તાહોમાં કોરોના વેક્સિન આવી જશે. એ પછી તેમણે એ પણ કહ્યું હતું કે પ્રાથમિકતાને આધારે વેક્સિન આપવામાં આવશે. ત્યાર બાદ આજે રાજ્ય સરકારના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ કોરોનાની વેક્સિનને લઈને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકાર કોરોના વોરિયર્સને પ્રથમ વેક્સિન આપશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વેક્સિનેશનની માહિતી આપતાં કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ, બીજા તબક્કામાં પોલીસ અને હોમ ગાર્ડ્સ તથા ત્યાર બાદના તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનને વેક્સિન આપશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદના તબક્કાઓમાં 50 વર્ષથી નીચેની વયના કેન્સર, હૃદયરોગ જેવી બીમારીથી પીડિત છે તેમને પાછળના તબક્કામાં સમાવેશ કરવામાં આવશે. 

તેમણે જણાવ્યું હતું કે રાજ્યના 33 જિલ્લામાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. કોરોનાની રસી સાચવવા માટે 2189 PHC, CHC રેફ્રિજરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં છ ઝોનમાં મોટા કોલ્ડ સ્ટોરેજ છે અને 85,000 વેક્સિન કેરિયર ઉપલબ્ધ છે. કોરોના વેક્સિનના વિતરણને લઈને તેમણે જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય અને જરૂરિયાત ધરાવતા તમામ નાગરિકોને વેક્સિન મળી રહે તે માટે સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.