ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકૂલ-૧ પાસે અરજદારનો આત્મહત્યાનો પ્રયાસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, માર્ચ 2026  |   2079

ગાંધીનગર, ગાંધીનગર ખાતે એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ સચિવાલયમાં મંત્રીને રજૂઆત કરવા આવેલા એક અરજદારે સ્વર્ણિમ સંકૂલ-૧ પાસે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ભારે દોડધામ મચી જવા પામી હતી. આ સનસનાટી મચાવી દેનારી ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતો મકસૂદ ગુલઝાર નામનો ૪૦ વર્ષીય યુવાન ગાંધીનગરના સચિવાલયમાં કોઈ મંત્રીની કચેરીમાં રજૂઆત કરવા માટે આવ્યો હતો. ત્યારે સચિવાલય પરિસરમાં સ્વર્ણિમ સંકૂલ-૧ પાસે મકસૂદ ગુલઝારે અચાનક પોતાના ગળા પર બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મકસૂદ દ્વારા સચિવાલય પરિસરમાં આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના બનતાની સાથે સચિવાલય પરિસરમાં ફરજ પર કાર્યરત એવા સુરક્ષા કર્મીઓ અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેના કારણે સચિવાલય પરિસરમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આત્મહત્યાનો પ્રયાસ કરનાર મકસૂદ ગુલઝારને પ્રથમ પ્રાથમિક સારવાર અપાયા બાદ તેને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સચિવાલય ખાતે રજૂઆત કરવા આવનાર મકસૂદ ગુલઝારે આવું આકસ્મિક પગલું કેમ ભર્યું? તે અંગે પોલીસ દ્વારા તપાસ અને પૂછપરછ ચાલી રહી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ અરજદાર મકસૂદને તેના સમાજના વ્યક્તિ સાથે કેટલાક સમયથી ઝગડો ચાલતો હતો. જેની રજૂઆત કરવા માટે તે ગાંધીનગર સચિવાલય ખાતે આવ્યો હતો. આ ઉપરાંત મકસૂદ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution