અમદાવાદ-

વર્તમાન સમયમાં ડીઝલની માફક પેટ્રોલની ખપત વધુ હોય તેવા સમયે પેટ્રોલનાં ભાવમાં સતત વૃધ્ધિથી આમ જનતાને માથે આર્થિક બોજ વધી રહ્યો છે. ભાવવધારાનો ડામ લોકો ચુપચાપ સહન કરી રહ્યા છે.

ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોરોના મહામારીના માહોલમાં બેરોજગારી-મોંઘવારીમાં ઇંધણ ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના આંકડા વધે તેમ પેટ્રોલમાં ભાવવધારાના લગાતાર આંકડા વધી રહ્યા છે. 15મી ઓગસ્ટ પછી આજ દિન સુધીમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 83 પૈસાનો વધારો નોંધાયો છે.

પેટ્રોલનો ભાવ રૂા. 78.38 હતો આજે 16 પૈસાના વધારા સાથે રૂા. 78.54ના ભાવે વેચાય છે. ગત તા. 29મી જુનથી 15મી ઓગસ્ટ સુધી પેટ્રોલના ભાવમાં સ્થિરતા બાદ લગાતાર વૃધ્ધિ થતા હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં માત્ર 37 પૈસાનો ફેરફાર રહ્યો છે. હાલ પણ પેટ્રોલની સરખામણીએ ડીઝલ મોંઘુદાટ હોવાથી પરિવહન અને ટ્રાન્સપોર્ટરો ભાવ વધારાનો બોજ ઉઠાવી રહ્યા છે. કોરોના મહામારીના લોકડાઉનમાં ઇંધણનાં ભાવોમાં સ્થિરતા બાદ લોકડાઉન-1માં પરિવહન શરુ થતાં જ ઇંધણના ભાવ સતત ઉંચકાતા પેટ્રોલ ડીઝલ રૂા. 11 થી 13 આસપાસ મોંઘુ થયા બાદ ડીઝલ મોંઘુદાટ થયું છે. સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓએ ભાવવધાર્યા બાદ ઘટાડો કર્યો નથી. જ્યારે 15મી ઓગસ્ટ સુધી પેટ્રોલમાં સ્થિરતા બાદ ભાવ વધતા પેટ્રોલ વધુને વધુ મોંઘુદાટ થઇ રહ્યું છે.