વડોદરા : આણંદ ખાતેની ખાનગી કોલેજમાં હાયર પેમેનટ સીટ ઉપર ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરકારી સયાજી હોસ્પિટલમાં ત્રણ માસની તાલીમ ઈન્ટર્નશિપ માટે આવેલા વિદ્યાર્થીઓ પાસે હોસ્પિટલના સત્તાધીશોએ સરકાર સંચાલિત રોગી કલ્યાણ સમિતિના ઠરાવ કર્યા મુજબ રૂા.૧૦ હજાર ડોનેશન પેટે ભરાવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગુજરાત જનતા જાગૃત મંચ દ્વારા હોસ્પિટલના સુપ્રિ.ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો. જાે કે, ડોનેશનની રકમ મોટી હોવાની રજૂઆત કરવામાં આવતાં સુપ્રિ.એ રોગી કલ્યાણ સમિતિમાં રજૂઆત કરી ઘટતું કરવાની હૈયાધારણા આપી હતી.

આ સમગ્ર બનાવની હકીકત અનુસાર આણંદ વિદ્યાનગર ખાતે આવેલ એ.આર.ફાર્મસી કોલેજમાં હાયર પેમેન્ટ સીટમાં ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજ્ય સરકારના નીતિનિયમો મુજબ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવા પૂર્વે સરકારી હોસ્પિટલમાં ત્રણ માસની તાલીમ અર્થાત્‌ ઈન્ટર્નશિપ કરવી ફરજિયાત હોઈ, કેટલાક વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ ઈન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે આજે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં હોસ્પિટલના સુપ્રિ. ડો. રંજન ઐયરે રોગી કલ્યાણ સમિતિના ઠરાવ મુજબ આ વિદ્યાર્થીઓ પાસે રૂા.૧૦ હજારની રકમનું ડોનેશન આપવા માટે જણાવ્યું હતું. આ ડોનેશન રોગીઓના કલ્યાણ માટે હતું. પરંતુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ડોનેશન ઉઘરાવતા હોવાની ગેરસમજ થઈ હતી જેથી તેઓએ ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંતની આગેવાનીમાં સયાજી હોસ્પિટલમાં સુપ્રિ.ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો. રજનીકાંતભાઈએ હોસ્પિટલના સત્તાધીશોના આ નિર્ણયને તઘલખી ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.