07, ઓગ્સ્ટ 2025
બેજિંગ |
2376 |
મોદીનો છેલ્લા 11 વર્ષમાં છઠ્ઠો ચીન પ્રવાસ :મોદી પુતિન અને જિનપિંગ સાથે જોવા મળે તેવી શક્યતાં
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પાંચ વર્ષ પૂર્વે ગલવાન ઘાટીમાં ભારે ઘર્ષણ થયું હતું, આ ઘટના બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની મુલાકાતે જાય તેવી શક્યતા છે. આગામી ૩૧મી ઓગસ્ટના રોજ ચીનના તીયાંજીન શહેરમાં શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ યોજાવા જઇ રહી છે. જેમાં ભાગ લેવા માટે મોદી ચીન જશે અહેવાલો મળી રહ્યાં છે. જોકે મોદી ચીન જાય તે પહેલા તેઓ જાપાનની મુલાકાત લે તેવી પણ શક્યતાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં ચીનની મુલાકાતે ગયા હતા, તે બાદ ચીન ગયા નથી. જોકે ઓક્ટોબર ૨૦૨૪ના રોજ કઝાનમાં યોજાયેલ બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગને મળ્યા હતા. હવે તેઓ ફરી જિનપિંગ સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે. જોકે મોદી ચીન જશે કે કેમ તેને લઇને હજુ સત્તાવાર રીતે કોઇ જ માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે,એવા અહેવાલો છે કે, મોદી સૌથી પહેલા ૨૯મી ઓગસ્ટના રોજ જાપાનની મુલાકાતે જશે. જે બાદ તેઓ શાંઘાઇ સમિટમાં ભાગ લેવા ચીન જશે.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત, રશિયા અને ચીન ત્રણેય દેશોને ટાર્ગેટ કરી રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચે મિત્રતાભર્યા સંબંધો છે, એવામાં ભારત અને ચીન વચ્ચે પણ સંબંધોમાં સુધારો થાય તેવી શક્યતાં છે. ચીનમાં યોજાનારી શાંઘાઇ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના પ્રમુખ શી જિનપિંગની સાથે રશિયાના પ્રમુખ પુતિન સાથે જોવા મળશે. જે આડકતરી રીતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક આકરો સંદેશો માનવામાં આવી શકે છે.