દિલ્હી,

વડાપ્રધાન મોદીએ આજે તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં એક મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જુલાઈ માસમાં 5 જુલાઈથી ગુરુ પૂર્ણિમાની સાથે જ તહેવારોની વણઝાર શરુ થાય છે. તહેવારોના સમયમાં લોકોની જરૂરીયાત અને ખર્ચ વધે છે. આ વાતને ધ્યાનમાં રાખી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અવધિ 5 મહિના વધારવામાં આવી છે.

જુલાઈ માસથી નવેમ્બર સુધી દેશના 80 કરોડ પરિવારને ફ્રી અનાજ આપવામાં આવશે જેમાં 5 કિલો ઘઉં અથવા ચોખા તેમજ 1 કિલો ચણા ફ્રીમાં આપવામાં આવશે. દેશના ગરીબ પરીવારને આ જે મદદ કરવામાં આવી રહી છે તેમાં ટેક્સપેયરોનો મહત્વનો ભાગ છે કારણ કે તેમણે નિયમિત રીતે ભરેલા ટેક્સના કારણે સરકાર સક્ષમ થઈ છે કે તે ગરીબોના ઘર સુધી અનાજ પહોંચાડી શકે.આ સાથે જ તેમણે ખેડૂતોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂતોની મહેનતના કારણે અન્નના ભંડાર ભરાય છે. 

વડાપ્રધાન મોદીએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે દેશ હવે અનલોક-2માં પ્રવેશ કરી રહ્યો છે. હવે અનલોક-2માં વાતાવરણ પણ એવું હશે કે શરદી-ઉધરસ જેવી તકલીફો વધે છે. તેવામાં દેશવાસીઓને પ્રાર્થના છે કે લોકો પોતાનું ધ્યાન રાખે. કોરોનાથી થતા મૃત્યદરને જોઈએ તો દેશ સ્થિર સ્થિતિમાં છે. સમયસર લેવાયેલા લોકડાઉનના નિર્ણયથી લાખો લોકોનું જીવન બચ્યું છે. સાથે જ જ્યારથી દેશમાં અનલોક-1 થયું છે ત્યારથી બેદરકારી વધી રહી છે.

માસ્ક, સામાજિક અંતર, હાથ ધોવાને લઈને સતર્ક હતા. પરંતુ હવે જ્યારે વધારે સતર્ક રહેવાની જરૂર છે ત્યારે બેદરકારી વધી તે ચિંતાજનક છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારે ધ્યાન આપવું પડશે. જે લોકો નિયમોનું પાલન નથી કરતાં તેને રોકવા પડશે અને સમજાવવા પડશે. તેના માટે સ્થાનિક તંત્રએ સતર્ક રહેવું પડશે.  

 સરકારે વિવિધ યોજના અમલમાં મુકી ગરીબોને અનાજ અને રોજગાર મળે તેવી ગતિવિધિઓ શરુ કરી અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું. આ સાથે જ કોરોનાથી લડાઈ લડતી વખતે 80 કરોડથી વધારે પરિવારના 3 મહિના અનાજ ફ્રી આપવામાં આવ્યું તે જોઈ દુનિયાના દેશ આશ્ચર્યમાં પડી ગયા છે. અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢીગણા લોકોને અનાજ પુરું પાડવામાં આવ્યું.

આપણે ત્યાં વર્ષા ઋતુમાં અને ત્યાર બાદ કૃષિ ક્ષેત્રમાં વધારે કામ થાય છે. બીજા સેક્ટરમાં થોડી સુસ્તી રહે છે. જુલાઈથી તહેવારોનો માહોલ શરુ થાય છે. દેશના વિવિધ મોટા તહેવાર હવે જ શરૂ થશે આ સમયમાં જરૂરીયાતો અને ખર્ચ વધે છે. આ વાતોને ધ્યાનમાં રાખી નિર્ણય કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર મહિનાના અંત સુધી ચાલશે. એટલે કે 80 કરોડ લોકોને મફત અનાજની યોજના જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ લાગુ રહેશે. જેમાં 5 કિલો ઘઉં કે ચોખા પરિવાર દીઠ આપવામાં આવશે અને દરેક પરિવારને દર મહિને 1 કિલો ચણા ફ્રીમાં આપવામાં આવશે.