અજય વાટેકર / વિરલ પાઠક વડોદરા તા.૨૭

કાયદા અને શિસ્તના આગ્રહી એવા પોલીસ તંત્રમાં માનવતા જાણે સાવ મરી પરવારી હોય એવો કિસ્સો વડોદરા પોલીસ બેડામાં હાલમાં ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. શહેર પોલીસના ટ્રાફીક વિભાગમાં ફરજ બજાવતા એક જાંબાઝ પીએસઆઈની સુરતમાં રહેતી પત્ની અસાધ્ય રોગથી પિડાતી હોઈ તેની સારવાર માટે ખુદ રાજ્યના પોલીસ વડાએ પીએસઆઈની તાત્કાલિક સુરતમાં બદલી કરવાનો બે માસ પહેલા આદેશ કર્યો છે.

જાેકે પહેલા ચુંટણીનું કારણ આગળ ધર્યા બાદ હવે શહેર પોલીસ કમિ. સહિતના ઉચ્ચાધિકારીઓ દ્વારા માત્ર પોતાની મમતના કારણે પીએસઆઈને અત્રેથી ફરજ પરથી મુક્ત નહી કરતા કે રજા પણ મંજુર નહી કરતા પીએસઆઈને હાલમાં બિનપગારે રજા પર ઉતરવાની ફરજ પડી છે અને ત્યારબાદ પણ જાે અત્રેથી છુટ્ટા નહી કરાય તો ભ્રષ્ટ્રાચારથી ખદબદતા પોલીસ ખાતામાંથી રાજીનામું સુધ્ધા આપવાની તૈયારી કરતા આશાસ્પદ પીએસઆઈનું ભાવિ જાેખમમાં મુકાયું છે.

મુળ સુરેન્દ્રનગરના વતની અને હાલમાં વડોદરા પોલીસના ટ્રાફિક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરાગકુમાર ધીરજલાલ દવે વડોદરાવાસીઓ માટે કદાચ બહુ જાણીતું નામ નહી હોય પરંતું સુરત પોલીસ બેડામાં જ નહી પરંતું સમગ્ર સુરત પંથકમાં તેમની ઉજ્જવળ અને સફળ કામગીરીના ડંકા વાગી રહ્યા છે. જાેકે આવા કર્તવ્યનિષ્ઠ પીએસઆઈને માત્ર વડોદરાના પોલીસ ઉચ્ચાધિકારીઓની મમતના કારણે પોલીસ બેડામાંથી રાજીનામું આપી દેવું પડે તેવી શરમજનક સ્થિતિનું નિર્માણ થયું છે. ગત ૧૯૯૯માં પોલીસ બેડામાં મહેસાણાથી કોન્સ્ટેબલ તરીકે જાેડાયેલા પરાગકુમાર દવે પોલીસ ખાતામાં તબક્કાવાર પરીક્ષાઓ પાસ કરી હાલમાં પીએસઆઈ તરીકે વડોદરામાં ફરજ બજાવી રહ્યા છે.

પીએસઆઈ દવેની થોડાક સમય અગાઉ સુરતમાં બદલી થતાં તે પત્ની અને પુત્રી સહિતના પરિવાર સાથે સુરતમાં રહેતા હતા. જાેકે સુરતમાં ફરજ દરિમયાન તેમના પત્ની અસાધ્ય બિમારીથી પિડાતા હોવાનું નિદાન થતા તેમણે સુરતમાં પત્નીની સારવાર શરૂ કરાવી હતી. જાેકે આ દરમિયાન તેમની વડોદરામાં બદલી થતાં તે હાલમાં અત્રે એકલા રહે છે. પરિવારમાં માતા-પિતા અને મોટાભાઈનું અવસાન થયેલું હોઈ પીએસઆઈ દવેની બિમાર પત્નીની સારવાર કરવા માટે પરિવારનું કોઈ સભ્ય હાજર નથી. સુરતમાં પત્ની સાથે એક પુત્રી રહે છે પરંતું તે ધો.૧૦માં અભ્યાસ કરે છે અને માતાની અસાધ્ય બિમારીની સારવાર માટે તે સક્ષમ નથી જેથી પીએસઆઈ દવેની હાલત કફોડી બની છે.

પોતાની પત્નીની બિમારી અને તેમને પડી રહેલી હાલાકીની સમગ્ર દર્દભરી દાસ્તાન તેમણે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને વર્ણવી હતી અને પોતાના ખાતાના એક અધિકારીની પરિસ્થિતિને ધ્યાને લેતા પોલીસ વડાએ ગત ૨-૧૧-૨૨ના રોજ પીએસઆઈ દવે સહિત રાજ્યના બિન હથિયારી ૩૫ પીએસઆઈની જાહેર હિતમાં તેમજ પદર ખર્ચે અલગ અલગ સ્થળે બદલીના આદેશ કર્યા હતા અને બદલીવાળી જગ્યાએ આજે જ હાજર થવા માટે છુટા કરી અને નવા સ્થળે હાજર થયાની જાણ રાજ્યના ડીજી-આઈજી કચેરીમાં કરવી તેવી સ્પષ્ટ સુચના પણ આપી હતી. જાેકે ત્યારબાદ ૩જી તારીખે રાજયના વિધાનસભાની ચુટણીની આચારસંહિતા જાહેર થતાં પીએસઆઈ દવેને અત્રેથી છુટ્ટા કરાયા નહોંતો. હવે ચુટણીઓ પતી ગઈ અને નવી સરકાર પણ બની ગઈ છે પરંંતું તેમ છતાં પીએસઆઈ દવેને અત્રેથી છુટ્ટા કરવામાં નહી આવતા તેમણે આ અંગેની શહેર પોલીસ કમિ. અને ટ્રાફિક વિભાગના ડીસીપીને જાણ કરી છે.

જાેકે શહેર પોલીસ કમિ. શમશેરસિંહ અને ટ્રાફિક ડીસીપી જ્યોતિબેન પટેલને કદાચ કોઈ કારણસર રાગદ્વેષ હોય કે પછી પોતાની મમત હોય પરંતું પીએસઆઈ દવેને હજુ સુધી નવા સ્થળે હાજર થવા માટે છુટ્ટા કરવામાં આવ્યા નથી. બીજીતરફ સુરતમાં રહેતી પોતાની પત્નીની હાલત દિવસેને દિવસે કથળી રહી છે માટે તાત્કાલિક છુટ્ટા કરવા માટે આજીજી કરવા છતાં ઉચ્ચાધિકારીઓ માનવતા ભુલી ગયા હોય તેમ પીએસઆઈની કોઈ આજીજી માનતા નથી જેથી પીએસઆઈને હાલમાં બિનપગારે રજા પર ઉતરી જવાની ફરજ પડી છે. આ અંગે પીએસઆઈ પરાગકુમાર દવેએ ભારે નિરાશા સાથે વેદના વ્યક્ત કરી હતી કે જાે મને અત્રેથી છુટ્ટો નહી કરવામાં આવે તો પત્નીની સારવાર માટે મારે પોલીસ ખાતામાંથી રાજીનામુ આપવાની ફરજ પડશે. પોલીસ ઉચ્ચાધિકારીઓની માત્ર એક મમત અને હઠાગ્રહના કારણે આશાસ્પદ પીએસઆઈનું ભાવિ અંધકારમય બન્યુ છે આ કિસ્સો પોલીસ બેડામાં તિરસ્કાર સાથે ચર્ચાનો ચગડોળે ચઢ્યો છે.

ડીજી તો ઠીક ચૂંટણી પંચના આદેશને પણ ધોળીને પી ગયા

પીએસઆઈ પરાગકુમાર દવેની ડીજીના આદેશથી ચુટણીના આચારસંહિતા સબબ બદલી કરાયેલી છતાં તેમને હજુ સુધી છુટ્ટા નથી કર્યા. ચુટણીના આચારસંહિતાના કારણે બદલી કરાય પરંતું જાે કોઈક કારણસર તેમને છુટ્ટા કરાઈ શકાય તેમ ન હોય તો ઈલેકશન કમિશન પાસેથી આ મંજુરી હુકમ મેળવવાનો નિયમ છે. ઈલેકશન કમિશન જાે કદાચ બદલીનો આદેશ મોકુફ રાખવાની મંજુરી આપે તો જે તે કર્મચારીને આ આદેશથી વાકેફ કરી તેમજ તેને ચુંટણી સંદર્ભે કામગીરીથી બાકાત રાખવા પડે. જાેકે પીએસઆઈ દવેને છુટ્ટા નહી તેમને ચુટણીને લગતી કામગીરી સોંપતા શહેર પોલીસ કમિ.એ પોલીસ વડા સાથે ઈલેકશન કમિશનના આદેશની પણ અવગણના કરી છે.

પીએચડી - જીસેટ ક્વોલીફાય કરનાર રાજ્યમાં એકમાત્ર પીએસઆઈ

પીએસઆઈ દવે ઉજ્જવળ શૈક્ષણીક કારકિર્દી ધરાવે છે જે કદાચ પોલીસ અધિકારીઓની પણ ક્ષમતાની બહાર છે. પીએસઆઈ દવે બીએ બાદ એમ.એ. વીથ ઈંગ્લીશ, એમ.ફીલ. વીથ ઈંગ્લીશ અને ત્યારબાદ વીર નર્મદ યુનિ.માં ક્રાઈમ એન્ડ વાયોલેન્સ ઈન ગ્રાફિક્સ નોવેલના વિષય પર બે વર્ષથી પી.એચડી. કરી રહ્યા છે. એટલું જ નહી તેમણે આસી.પ્રોફેસર કક્ષાની નોકરી માટે ફરજિયાત એવી જી.સેટની પરિક્ષા મ.સ.યુનિ.માંથી પાસ કરી છે અને જી.સેટની પરીક્ષા પાસ કરનાર તે સમગ્ર રાજ્યમાં એક માત્ર પીએસઆઈ છે પરંતું કમનસીબે વડોદરાના પોલીસ ઉચ્ચાધિકારીઓને આવી ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અધિકારીની કોઈ કદર નથી.

ચૂંટણી પંચમાં કોડ ઓફ કન્ડક્ટની અરજીથી અધિકારીઓનો પિત્તો ગયો

પીએસઆઈ દવે જયારે સુરતમાં હતા ત્યારે તેમણે સ્થાનિક પોલીસની ટેકનીકલ ટીમ તેમજ દિલ્હી પોલીસ સાથે મળીને ચકચારભર્યા બળાત્કાર કાંડના આરોપી આશારામના પુત્ર સાંઈરામને ઝડપી પાડવામાં મહત્વની ભુમિકા ભજવેલી અને તેમને રાજયના ગૃહવિભાગે રોકડા ૧૪,૫૦૦નું ઈનામ પણ જાહેર કર્યુ હતું. જાેકે તે બિમાર પત્નીના સારવાર માટે હાજર નહી રહેતા તેમના એક સંબંધીએ સમગ્ર કિસ્સાની રાજયના ઈલેકશન કમિશનમાં શહેર પોલીસ કમિ. અને ઉચ્ચાધિકારીઓનો કોડ ઓફ કન્ડક્ટની અરજી કરી હતી. આ અરજીના કારણે કદાચ ઉચ્ચાધિકારીઓનું અહમ ઘવાયું હશે અને ત્યારબાદ નિર્દોષ પીએસઆઈની માનસિક હેરાનગતિ શરૂ થઈ હોવાનું મનાય છે.

છુટ્ટા તો નહી પરંતુ રજા પણ નામંજુર!

પીએસઆઈ દવેએ રાજયના પોલીસ વડા અને શહેર પોલીસ કમિ.ને પત્નીની સારવાર માટે છુટ્ટા કરવા માટે અરજી કરી છે પરંતું તેનો કોઈ જવાબ નહી આવતા તેમણે ૩૦ દિવસની બિનપગારે રજા મંજુર કરવા માટે માંગણી કરી છે પરંતું તે પણ પોલીસ અધિકારીઓએ મંજુર નહી કરતા પીએસઆઈ દવે પાસે હવે કોઈ રસ્તો બચ્યો નથી અને તે રજાની મંજુરીની અપેક્ષાએ ૩૦ દિવસની રજા પર જતા હોવાની ટ્રાફિક કન્ટ્રોલ રૂમમાં વર્દી લખાવી રજા પર ગયા છે. જાેકે પોલીસ અધિકારીઓ બદલી થવા છતાં પીએસઆઈને અત્રેથી છુટ્ટા નહી કરી કે પત્નીની સારવાર માટે રજા કયા કારણોસર મંજુર નથી કરતા તે પ્રશ્ન પોલીસ બેડાના અન્ય કર્મચારીઓને પણ અકળાવી રહ્યો છે.

પોલીસો કેમ આપઘાત કરે છે?

રાજયમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ અધિકારીઓ દ્વારા આપઘાત કરી લેવાના કિસ્સામાં વધારો થયો છે. પોલીસકર્મીના આપઘાતના કિસ્સામાં ક્ષમતા કરતા વધુ સતત કામનું ભારણ અને પોલીસ અધિકારીઓની કનડગત અને માનસિક ત્રાસ કારણભુત હોવાની પણ ચર્ચાઓ ચાલતી હોય છે. પીએસઆઈ પરાગકુમાર દવે વેદના કોઈ પણ વ્યકિતનું હૃદય દ્રવી ઉઠે તેવી છે પરંતું તેમની પર જે રીતે માનસિક અત્યાચાર આચરવામાં આવ્યો છે અને તે હવે રાજીનામુ આપી દેવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમનો આ કિસ્સો પોલીસકર્મીઓ કેમ આપઘાત કરે છે તે સંદર્ભે ઘણો સુચક છે

રાજયના બ્રહ્મસમાજ પાસે મદદ માંગશે

પરાગકુમાર દવે હિન્દુ બ્રાહ્મણ છે અને રાજયમાં બ્રાહ્મણો પર થતાં અત્યાચારો અને તેઓને સામાજિક અને રાજકિય ક્ષેત્રે પડતી મુશ્કેલીઓમાં એકતાથી લડવા અને મદદ માટે રાજયમાં બ્રહ્મસમાજ ઘણી મહત્વની ભુમિકા ભજવી રહ્યું છે. પોલીસ તંત્ર દ્વારા કોઈ મદદ નહી મળતાં પીએસઆઈ પરાગકુમાર બિનગુજરાતી અધિકારીઓ દ્વારા થતી કનડગતના આક્ષેપ સાથે નાછુટકે રાજયના બ્રહ્મસમાજ અને તેમાં પદાધિકારીઓ તરીકે સેવા આપતા અગ્રણીઓ સામે પણ મદદ માટે ટહેલ નાખશે.