લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026 |
સુરત |
693
પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસ બાદ હવે આરટીઓમાં બોમ્બ મૂકાયાના ઇમેઇલના પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. ડોગ અને બોમ્બ સ્કવોડ સાથે પોલીસે આરટીઓમાં તપાસ કરી પરંતુ કોઇ શંકાસ્પદ કહો કે વાંધાજનક ચીજવસ્તુ મળી ન હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલ સ્થિત આરટીઓ કચેરીમાં સવારે રાબેતા અનુસાર કામકાજ શરૂ થયું એ સમયે જ બોમ્બ મૂકાયો હોવા અંગેનો શંકાસ્પદ મેલ મળ્યો હતો. અગાઉ પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસમાં આવા મેલ આવી ચૂક્યા હોવા છતાં આરટીઓ દ્વારા એને ગંભીરતાથી લઇ પોલીસને જાણ કરવામાં આવી હતી. બોમ્બનો કોલ મળતા પોલીસ અધિકારીઓ ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે આરટીઓ દોડી ગયા હતાં. સૌપ્રથમ સાવચેતીના ભાગરૂપે અને કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના ઘટે તે માટે પોલીસ દ્વારા આરટીઓ કચેરીને ખાલી કરાવી દેવામાં આવી હતી.
ત્યાર બાદ આરટીઓની અંદર દરેક વિભાગોમાં, કચેરીની બહાર તેમજ અંદર પાર્ક ટૂ, વ્હીલર, ફોર વ્હીલર સહિતના વાહનો તથા લોકોના ટિફિન બોક્સ અને ડસ્ટબીનની અંદર પણ સઘન તપાસ કરવામાં આવી હતી. કલાકો સુધી પોલીસ દવારા આરટીઓના ખૂણેખૂણામાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સઘન તપાસ છતાં કચેરી કે આસપાસથી કશું શંકાસ્પદ નહી મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.