લખનૌ-

 ગુનાખોરીને ડામવા માટે સામાન્ય પ્રજા પોલીસના આશરે હોય છે પણ પોલીસ ખુદ જ્યારે ગુનામાં સંડોવાયેલી હોય ત્યારે સમગ્ર તંત્ર સામે પ્રશ્નો ઊભા થાય છે. ઉત્તર પ્રદેશમાં આવો જ એક કિસ્સો નોંધાયો હતો.  ઉત્તર પ્રદેશમાં દિવસે દિવસે ગુનાખોરી વધી રહી છ એવા આક્ષેપો વચ્ચે ખુદ પોલીસ દ્વારા લૂંટારું ટોળકી ચલાવાઇ રહી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. ગોરખપુરના મહારાજગંજ વિસ્તારમાં બે ઝવેરીને ત્યા થોડો સમય પહેલા થયેલી રૂપિયા 35 લાખની લૂંટ બાબતમાં એક સબ ઇન્સપેક્ટર સહિત પોલીસના ત્રણ માણસોની ધરપકડ કરવામાં આવી હતી. 

ગોરખપુર પોલીસના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ આ લોકો પાસેથી 19 લાખ રૂપિયા રોકડા અને 16 લાખ રૂપિયાનું સોનું-ચાંદી મળી આવ્યાં હતાં  પોલીસ અધિકારીઓને શંકા હતી કે આ લૂંટમાં કોઇ પોલીસમેન સંડોવાયા હોવા જોઇએ. ગોરખપુરના મહારાજગંજમાં તાજેતરમાં બે ઝવેરીને ત્યાં રૂપિયા 35 લાખની લૂંટ થઇ હતી. એની પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે તરત પગલાં લેવા માંડ્યાં હતાં અને એમાં પોલીસને સફળતા મળી હતી. ગોરખપુરના સિનિયર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ જોગીન્દર કુમારે મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતુ્ં કે જે રીતે ગુનો બન્યો હતો એ જોતાં અમને આ ઘટનામાં પોલીસદળના માણસો સંડોવાયા હોવાની શંકા શરૂઆતમાં જ જાગી હતી. 

તેમણે કહ્યું કે સબ ઇન્સપેક્ટર ધર્મેન્દ્ર યાદવની કડક પૂછપરછમાં તેમણે આ લૂંટમાં સંડોવાયા હોવાનું કબૂલ કર્યું હતું. ધર્મેન્દ્ર યાદવ ઉપરાંત બીજા ચાર કોન્સ્ટેબલ અને એક બોલેરો ચાલકની ધરપકડ પોલીસે કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે અમે સીસીટીવીનું નિરીક્ષણ કર્યું ત્યારે ઘટનાસ્થળે એક બોલેરો કાર દેખાઇ હતી. પોલીસે જ્યારે આ વાહનની વધારે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ બોલેરો પોલીસ લાઇન્સની આસપાસની છે. બોલેરો કાર મળી ત્યારબાદ અમે સહેલાઇથી ગુનેગારો સુધી પહોંચી શક્યા હતા. સબ ઇન્સપેક્ટર સહિત કુલ છ જવાનોની ધરપકડ કરવામાં આવી હતી અને લૂંટનો પૂરેપૂરો માલ તેમની પાસેથી કબજે કરાયો હતો અને પોલીસના કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતા અનેક ગુનાઓ બહાર આવ્યા હતા.