અમદાવાદ-

રામોલ વિસ્તારમાં રહેતા સંખ્યાબંધ લોકોને લોન આપવાનું કહીને ટુકડે ટુકડે 50-50 હજાર પડાવી લોન ન આપી ઠગાઈ કરનાર ત્રણ ગઠીયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ કરીને ત્રણેય ઠગને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

શહેરના વસ્ત્રાલ રિંગ રોડ પાસે નરેશભાઇ પ્રહલાદસિંહ ચૌધરી પરિવાર સાથે રહે છે અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જુલાઇ 2020માં નરેશભાઇના ઓળખીતા કિરણભાઇ મણીયાર કે જે લોનનું કામ કરે છે તેણે નરેશભાઇની ઓળખાણ મયૂર રમેશભાઇ બેલોસે સાથે કરાવી હતી. તે સમયે મયૂરે જણાવ્યું હતું કે, કોઇને પણ મુદ્રાલોન જોઇતી હોય તો કહેજો મારું બેંકના સાહેબો સાથે ડાયરેક્ટ સેટીંગ છે અને આઠથી દસ લાખ સુધીની લોન હું ઇનકમ પ્રુફ વગર પણ કરાવી આપીશ. નરેશભાઇને લોન જોઇતી હોવાથી તેના પર વિશ્વાસ મુક્યો હતો અને મુદ્રા લોન માટે વાત કરી હતી. ત્યારે મયૂરે તેને લોનનું ફોર્મ ભરાવ્યું હતું અને અલગ અલગ દસ્તાવેજ પર સહી કરાવી હતી. ત્યારબાદ ટુકડે ટુકકે લોન માટે 50 હજાર રૂપિયા લઇ લીધા હતા અને થોડા દિવસોમાં લોન થઇ જશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ મયૂરને ઓફિસ કરવા દુકાન ભાડે જોઇતી હોવાથી નરેશભાઇએ તેને પોતાની દુકાન ભાડે આપી હતી. જેમાં મયૂર, નિશાબહેન, દલવીરસિંહ સહિતના લોકો ઓફિસ ખોલી બેંકમાંથી લોન કરાવાનું કામ કરતા હતા.

નરેશભાઇના ભત્રીજાને લોન જોઇતી હોવાથી તેને પણ નિશાબહેન, દલવીરસીંગનો સંપર્ક કરતા તેને પણ ફોર્મ ભરાવી 50 હજાર રૂપિયા લઇ લીધા હતા અને 7 લાખની લોન થઇ જશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ લોન થઇ જશે તેમ કહી તેમણે કિશનભાઇ ધનજીભાઇ વાઘેલા, જીગ્નેશભાઇ વિનોદભાઇ પટણી, રમણભાઇ પોપટભાઇ પટણી, કૈલાશબહેન મગનલાલ વાઘેલા, મહેશભાઇ ભલાભાઇ પરમાર, અનિતાબહેન સુરેશભાઇ ગોસ્વામી, કમલેશ મણીભાઇ મકવાણા અને જીતુભાઇ શાવાભાઇ પંચાલને મુદ્રા લોન અપાવાનું કહી ફોન ભરાવી વ્યક્તિ દીઠ 50 હજાર રૂપિયા લઇ લીધા હતા. પછી લોન પાસ થઇ ગઇ કહી મયૂરે નરેશભાઇ પાસે 20 હજાર રૂપિયા માગ્યા હતા. જેથી વધુ 20 હજાર આપ્યા હતા. પરંતુ લોન થઇ ન હતી. ઉપરાંત અન્ય લોકોની પુચ્છા કરતા તેમની પણ લોન થઇ ન હતી. જેથી મયૂરને વાત કરતા તેને લીધેલ પૈસાના ચેકો આપ્યા હતા. પરંતુ તે પણ પરત ફર્યા હતા. જેથી આ મામલે નરેશભાઇએ મયૂર, નશાબહેન, દલવીરસિંહ સામે ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.