મહેસાણા,તા.૧૯ 

છત્રાલથી કડી તરફ ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળેલા બે ચેઇન સ્નેચરો મહેસાણા એલસીબીના હાથે ઝડપાયા છે. પોલીસ તપાસમાં આ બંને ચોરોએ દોઢ વર્ષ દરમિયાન મહેસાણા સહિત અન્ય જિલ્લાઓમાં ૧૪ ચેઇન સ્નેચિંગના ગુના આચર્યાની કબૂલાત કરતાં પોલીસે રૂ.૨.૭૩ લાખની કિંમતના સોનાના ૪ દોરા કબજે કર્યા છે. ગત મહિને બાઇક પર જઇ રહેલી વિજાપુરની મહિલાનો સોનાનો દોરો તોડવા જતાં પડી જવાથી મોત થવાના કેસમાં પણ આ બંને ચોરોની સંડોવણી ખુલતાં પોલીસે તપાસ હાથ ધરી છે. વિજાપુરના મોતીપુરા ગામ નજીક બાઇક પર જઇ રહેલી મહિલાના ગળામાંથી પલ્સર પર નીકળેલા બે શખ્સોએ સોનાનો દોરો ખેંચતાં પડી નીચે પટકાતાં મહિલાનું મોત થવાની ઘટનાને પગલે એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓ પર વોચ રાખી ગુનો ઉકેલવા આપેલી સૂચના મુજબ એલસીબી પીઆઇ બી.એચ. રાઠોડ, પીએસઆઇ આર.કે. પટેલ, એએસઆઇ હીરાજી, રાજેન્દ્રસિંહ, રત્નાભાઇ, નરેન્દ્રસિંહ સહિત પેટ્રોલિંગમાં હતા. બે ચેઇન સ્નેચરો ચોરીનો મુદ્દામાલ વેચવા છત્રાલ બાજુથી કડી તરફ જઇ રહ્યાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે કડી પાંજરાપોળ રોડ પરથી બાઇક પર જઇ રહેલા બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતાં તે લક્ષ્મણ મારવાડી મોંગીયા (રહે.રખિયાલ, બસ સ્ટેન્ડ પાછળ, મોડાસા હાઇવે, જિ. ગાંધીનગર, અને ટીનાજી રાજાજી ઠાકોર (રહે. સૂરજ, તા.કડી) હોવાનું ખુલ્યું હતું.