વિધવાને છેતરીને લગ્ન કરી 10 લાખ પડાવી લીધા પોલીસકર્મી પર આરોપ
15, એપ્રીલ 2021 495   |  

લખીમપુર ખીરી-

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક મહિલાએ પોલીસકર્મી પર લગ્નનો ઢોંગ કરી બે વર્ષ સુધી શારીરિક અને માનસિક શોષણ કરવાની સાથે ૧૦ લાખ રૂપિયા ચાંઉ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત, મહિલાએ આ મામલાની ફરિયાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ કરી છે. હાલ આ ઘટનાથી પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

આ મામલો લખીમપુર ખીરીનો છે, જ્યાં સરિતા વર્મા નામની મહિલાએ પોલીસ અધીક્ષક અને જિલ્લાધિકારીને એક ફરિયાદી પત્ર આપીને પોતાની વ્યથા રજૂ કરી છે. તેણે એલઆરપી ચોકીમાં તૈનાત દીવાન રમેશ યાદવને લઈને કહ્યું કે, તેણે બે વર્ષ પહેલા મને પોતાની વાતોમાં ફોસલાવીને જણાવ્યું કે તેની પત્નીનું મોત થઈ ગયું છે અને મારી સાથે બીજા લગ્ન કરી દીધા. પરંતુ તેની પત્ની હયાત છે.

આ ઉપરાંત, આ વાતના પુરાવા રૂપે મહિલાએ લગ્નની તસવીરો પણ અધિકારીઓ સમક્ષ રજૂ કરી છે. સરિતાનું કહેવું છે કે બે વર્ષ બાદ પોલીસકર્મીની પહેલી પત્ની લખીમપુર પહોંચી તો પોતાની સાથે છેતરપિંડી થવાની તેને જાણ થઈ. મહિલાનો આરોપ છે કે દીવાન રમેશ યાદવ બે વર્ષ સુધી તેનું શારીરિક અને માનસિક શોષણ કરતો રહ્યો અને તેની પાસેના ૧૦ લાખ રૂપિયા પણ છેતરીને લઈ લીધા.

સરિતા વર્માએ જણાવ્યું કે, સમગ્ર હકીકત સામે આવ્યા બાદ રમેશ યાદવે બીજા પોલીસ સ્ટેશનમાં પોતાની ટ્રાન્સફર કરાવી દીધી અને તે ત્યાં રૂમ ભાડે લઈને રહેવા લાગ્યો. તે જ્યારે રમેશ પાસે જાય છે તો તેની સાથે મારઝૂડ કરીને ભગાડી મૂકે છે. જ્યારે સરિતાએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી તો તે રમેશે તેને જીવથી મારી નાખવાની ધમકી આપી. સરિતાનો આરોપ છે કે તે પોલીસ અધીક્ષક અને જિલ્લાધિકારીને વારંવાર ફરિયાદ કરી ચૂકી છે, પરંતુ તેને ન્યાય નથી મળી રહ્યો. આરોપી પોલીસકર્મી હોવાના કારણે કોઈ પણ કાર્યવાહી નથી કરતા. બીજી તરફ પોલીસના અધિકારી આ મામલાની ગંભીર નોંધ લેવાની વાત કરી રહ્યા છે પરંતુ હાલ મીડિયા સામે બોલવાનો ઇન્કાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution