શેખ બાબુ મર્ડર કેસમાં પોલીસ જવાનની જામીનઅરજી નામંજૂર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026  |   વડોદરા   |   1485

ફતેગંજ પોલીસ મથકમાં સર્જાયેલા ચકચારભર્યા શેખ બાબુ મર્ડર કેસમાં સંડોવાયેલા ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પોલીસ જવાનની જામીન અરજી અત્રેની કોર્ટે નામંજુર કરી હતી. મુળ તેલંગાનાના વતની અને પાંચ વર્ષ અગાઉ અમદાવાદમાં રહેતા શેખબાબુ શેખ નિસારની ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ સહિતના સ્ટાફે ગત ડિસેમ્બર-૨૦૧૯માં ચોરીના કેસમાં સ્ટેશન પાસેથી અટકાયત કરી હતી.

ત્યારબાદ શેખ બાબુને પુછપરછના બહાને ફતેગંજ પોલીસ મથકમાં લઈ જઈ ઢોર માર મારીને હત્યા કરાઈ હતી અને તેમની લાશને પણ સગેવગે કરવામાં આવી હતી. આ બનાવમાં ફતેગંજ પોલીસ મથકના પુર્વ પીઆઈ સહિત છ પોલીસકર્મીઓની ધરપકડ કરી તેઓને જેલભેગા કરાયા છે. આરોપી પૈકીના મુળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકા સ્થિત જરખરીયા ગામના વતની પોલીસ જવાન પંકજ માવજી રાઠોડે તેની નાની અને ફુવાના બેસણામાં હાજર રહેવા માટે તેમજ તેના બાળકને આરટીઈ હેઠળ એડમિશનની કામગીરી માટે બાર દિવસના વચગાળાની જામીની માગણી કરી હતી. પંકજ રાઠોડ જ શંકાસ્પદ આરોપી શેખ બાબુ સાઈકલ લઈને નીકળતાં તેમને ફતેગંજ પોલીસ મથકે લઈ આવ્યો હતો. શેખ બાબુની હત્યા સમયે તે પોલીસ મથકમાં હાજર હતો અને તેણે હત્યાના સાક્ષી કમલેશ સોલંકીને પોલીસ મથકથી ઘરે રવાના કર્યો હતો. દરમિયાન શેખ બાબુ મર્ડર કેસમાં ખાસ નિમાયેલા સરકારી વકીલ એસ.આઈ.ધરીયાની દલીલોને ગ્રાહ્ય રાખી સત્ર ન્યાયાધીશ વિકુલ પાઠકે વચગાળાની જામીન અરજી નામંજુર કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution