આસામ, કેરળ અને પુડુચેરીમાં ૯, બંગાળમાં ૨૩,૨૯ એપ્રિલના મતદાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, માર્ચ 2026  |   2079


નવી દિલ્હી, પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીની તારીખો ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અન્ય ચૂંટણી કમિશનરોની સાથે મળીને પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ૪ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ મે ૨૦૨૬માં પૂરો થઈ રહ્યો છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાનો કાર્યકાળ જૂન મહિનામાં પૂરો થઈ રહ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા કહ્યું કે, આસામ, કેરળ અને પુડુચેરીમાં ૯ એપ્રિલે મતદાન થશે, જેના પરિણામો ૪ મેના રોજ આવશે. આસામ, કેરળ, પુડુચેરીમાં ૯ એપ્રિલે એક તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે મતગણતરી ૪ મેના રોજ હાથ ધરાશે.

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કમાં મતદાન થશે. જ્યારે ૪ મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. તમિલનાડુમાં એક જ તબક્કામાં ૨૩ એપ્રિલના રોજ મતદાન થશે, જ્યારે ૪ મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીના પરિણામો ૨ મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીઓમાં મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી ૨૧૩ બેઠકો જીતીને સત્તામાં પાછી આવી હતી. જે ૨૦૧૬ની ચૂંટણીઓ કરતા શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ૭૭ બેઠકો જીતીને ભાજપ પ્રથમ વખત રાજ્યમાં મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવ્યો. ડાબેરી અને કોંગ્રેસ પક્ષનું ગઠબંધન - જે લાંબા સમય સુધી પશ્ચિમ બંગાળમાં સત્તા પર હતું, જે શૂન્ય બેઠકો પર સમેટાયું. ભારતીય ધર્મનિરપેક્ષ મોરચા અને સ્વતંત્ર ઉમેદવારોએ એક-એક બેઠક મેળવી હતી.૨૦૨૧માં આ પાંચેય રાજ્યોની ચૂંટણીઓ ૨૬ ફેબ્રુઆરીએ યોજાઈ હતી. અગાઉના પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ આઠ તબક્કામાં યોજાઈ હતી. ૨૦૨૧માં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને કેરળ વિધાનસભાઓની મુદત અનુક્રમે ૭ મે, ૧૦ મે, ૨૦ મે અને ૨૩ મેના રોજ સમાપ્ત થઈ રહી છે. પુડુચેરી વિધાનસભાનો કાર્યકાળ છેલ્લે ૧૫ જૂને સમાપ્ત થઈ રહ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “અંતિમ યાદી મુજબ, આસામમાં આશરે ૨.૫૦ કરોડ, કેરળમાં ૨.૭૦ કરોડ, પુડુચેરીમાં ૯.૪૪ લાખ, તમિલનાડુમાં ૫.૬૭ કરોડ અને ૨૮ ફેબ્રુઆરીએ જાહેર કરાયેલ અંતિમ યાદી મુજબ પશ્ચિમ બંગાળમાં ૬.૪૪ કરોડ મતદારો છે.”

ચૂંટણી પંચે બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ, સુરક્ષિત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વિશાળ ચૂંટણી પ્રક્રિયાની સફળતા સુનિશ્ચિત કરવા માટે કુલ આશરે ૨૫ લાખ ચૂંટણી અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.

આજે બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે મતદાન : પરિણામો સાંજ સુધીમાં આવી જશે

બિહારમાં પાંચ રાજ્યસભા બેઠકો માટે આવતીકાલ ૧૬ માર્ચે ચૂંટણી યોજાવાની છે.બંને ગઠબંધન ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. તેજસ્વી યાદવે રાજ્યસભા માટે સમર્થન મેળવવા માટે એઆઇએમઆઇએમના પ્રદેશ પ્રમુખ અખ્તરુલ ઇમાનની ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.એનડીએ ડિનર ડિપ્લોમસી દ્વારા પોતાની લીડ જાળવી રાખી રહ્યું છે. ધારાસભ્યો માટે પહેલા સમ્રાટ ચૌધરી, પછી ઉપેન્દ્ર કુશવાહ અને ચિરાગ પાસવાનના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરાયું હતું. અંતિમ તબક્કામાં, સંસદીય બાબતોના મંત્રી વિજય ચૌધરીના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરાયું હતું, ડિનર ડિપ્લોમસી દ્વારા, એનડીએએ તેની તાકાતનું મૂલ્યાંકન કર્યું છે અને એક સંપૂર્ણ યોજના બનાવી છે. મતદાન ફાળવણી આજે મોડી રાત્રે સંસદીય બાબતોના મંત્રી વિજય ચૌધરીના નિવાસસ્થાને કરવામાં આવશે. બિહારમાં પાંચમી રાજ્યસભા બેઠક જીતવી એનડીએ માટે એક મોટો પડકાર છે. આ ચૂંટણી એનડીએ માટે પણ ખૂબ જ હાઇ-પ્રોફાઇલ છે, કારણ કે આ પાંચ બેઠકોમાંથી ત્રણ ત્રણ રાષ્ટ્રીય અધ્યક્ષોને રાજ્યસભામાં મોકલશે. એનડીએએ પાંચ ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાં વિવિધ પક્ષોના ત્રણ રાષ્ટ્રીય અધ્યક્ષોનો સમાવેશ થાય છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ચૂંટણી મેદાનમાં છે. જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ રાજ્યસભામાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પણ રાજ્યસભા બેઠક મેળવવાનો ર્નિણય લીધો છે.

છ રાજ્યની આઠ બેઠક માટે પેટાચૂંટણીઓની પણ જાહેરાત

રવિવારે કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે છ રાજ્યો ગોવા, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરામાં આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓની પણ જાહેરાત કરી છે. ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં વિધાનસભા બેઠકો માટે મતદાન ૯ એપ્રિલે થશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિધાનસભા બેઠકો માટે મતદાન ૨૩ એપ્રિલે થશે. આ બધી બેઠકો માટે મત ગણતરી ૪ મેના રોજ થશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution