વડોદરા,તા.૬

ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરે સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી તથા સુરક્ષા વ્યવસ્થા તેમજ અન્ય આનુષંગિક વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. અર્ધ લશ્કરી દળોના જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવા સાથે ૭૦ જેટલા સી.સી.ટીવી કેમેરાથી થતી નિગરાની રાખવામાં આવી રહી છે. શહેર જિલ્લાની દસ વિધાનસભા બેઠકોની મતગણતરી તા.૦૮.૧૨.૨૦૨૨ ને ગુરુવારના રોજ પોલીટેકનિક કોલેજ ખાતે સવારે આઠ કલાકથી હાથ ધરવામાં આવશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતુ.

૧૦ વિધાનસભા બેઠકોના ઇવીએમ મશીન પોલોટકનિક સ્થિત સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. જ્યાં અર્ધ લશ્કરી દળોના જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવા આવી છે.

મતગણતરી વિધાનસભા દીઠ ૧૪ લેખે કુલ ૧૪૦ ટેબલ પર હાથ ધરવામાં આવશે. દરેક મતગણતરી કેન્દ્રમાં આઠ લેખે કુલ ૮૦ જેટલા સી.સી.ટીવી કેમેરાની નિગરાની હેઠળ મતગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત ટપાલ મતપત્રોની ગણતરી માટે વિધાનસભા દીઠ એક લેખે ૧૦ ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવશે. પોલીટેકનિક કોલેજ ખાતે અભેદ્ય સુરક્ષા ચર્ક સાથે ડીસીપી જુલી કોઠિયાની રાહબરીમાં સ્થાનિક પોલીસ ઉપરાંત કેન્દ્રીય અર્ધ લશ્કરી દળોની ટૂંકડીઓ તહેનાત કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સીસીટીવીની નિગરાની માટે દિવસ અને રાતની ત્રણ પાળીમાં એકએક એમ એક દિવસ માટે ત્રણ રાજ્યપત્રિત અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.