રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં ઉડાન ભરી ઇતિહાસ રચ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ફેબ્રુઆરી 2026  |   2376


ભારતની સૈન્ય શક્તિમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર(ન્ઝ્રૐ) ‘પ્રચંડ’માં ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ ‘પ્રચંડ’માં કો-પાયલટ તરીકે ઉડાન ભરનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. રાષ્ટ્રપતિ આ અગાઉ ફાઇટર પ્લેન સુખોઈ અને રાફેલમાં પણ ઉડાન ભરી ચૂક્યા છે, જે આવી ક્ષમતા ધરાવનાર દેશના એકમાત્ર રાષ્ટ્રપતિ છે. સવારે લગભગ ૯:૧૫ વાગ્યે વાયુસેના સ્ટેશન પહોંચેલા રાષ્ટ્રપતિને સૈન્ય અધિકારીઓએ હેલિકોપ્ટરની ખાસિયતો વિશે માહિતી આપી હતી. સવારે ૧૦:૧૫ વાગ્યે ગ્રૂપ કૅપ્ટન એન. એસ. બહુઆ સાથે તેમણે આકાશમાં ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. સાંજે રાષ્ટ્રપતિ પોખરણ ખાતે વાયુસેનાના સૌથી મોટા યુદ્ધાભ્યાસ ‘વાયુ શક્તિ-૨૦૨૬’ના સાક્ષી બન્યા હતા. પાકિસ્તાન સરહદ નજીક યોજાનારા આ શૌર્ય પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન ઘાતક મારક ક્ષમતા અને સચોટ લક્ષ્ય ભેદવાની કળાનું પ્રદર્શન કર્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution